ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર કરતાં ૧૭ ખેડૂત બહેનો અને ૩૩ ખેડૂત ભાઈઓને કચ્છ જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોને શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટ, શેઠીયા ફાર્મ, લીંબાણી ફાર્મ તેમજ ભૂલીયા ફાર્મની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. કચ્છ ખાતેના આ પ્રવાસમાં કપરાડા તાલુકા પંચાયતના સભ્ય કલાવતીબેન ઈલેવનભાઈ પટેલ અને આત્મા પ્રોજેક્ટમાંથી હેમાક્ષીબેન ટંડેલ અને શીતલબેન ટંડેલ પણ ખેડૂતો સાથે જોડાયા હતા.
આ પ્રવાસ દરમિયાન વલસાડ જિલ્લાના ટ્રેનરોએ કચ્છમાં પહેલા પાણી આવતુ ન હતું ત્યારે અને પાણી આવ્યા બાદ પ્રાકૃતિક ખેતી દ્વારા જમીન કેવી રીતે ફળદ્રુપ બની તેની માહિતી મેળવી હતી. આ સિવાય ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી જાતે જ માર્કેટિંગ કરી દેશ વિદેશમાં ખેત પેદાશોની નિકાસ કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી મેળવી હતી. કચ્છ જિલ્લાના ખેડૂતો ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી કેવી રીતે વિવિધ પેદાશો બનાવી તેનું વેચાણ દ્વારા આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે તેની પણ માહિતી ટ્રેનરોએ મેળવી હતી.
