રાજ્યમાં કેટલાંક જિલ્લામાં ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી વચ્ચે સોમવારે ડાંગ જિલ્લામાં વરસાદી છાંટા પડયા હતા. જ્યારે મંગળવારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 
સોમવારે રાજ્યના છેવાડે આવેલ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ નોંધાયું હતું. તો ગીરીમથક સાપુતારાના વાતાવરણમાં ઠંડક સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે જ આહવા તાલુકાના બોરખલ તેમજ વઘઈ તાલુકાના ખીરમાણી ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સોમવારે સુરત શહેરનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી, લઘુતમ તાપમાન 23.7 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 17 ટકા, હવાનું દબાણ 1006.1 મિલીબાર અને ઉત્તર દિશામાંથી કલાકના આઠ કિ.મીની ઝડપે પવન ફૂંકાયા હતા. અમદાવાદમાં 6 દિવસ બાદ સરેરાશ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. હવે આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાન ૪૧ ડિગ્રીને પાર થતાં ગરમીમાં હજુ પણ વધારો થઈ શકે છે.(ફાઈલ ફોટો)



