અડદના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કર્યુ તો ૧૦૦ ટકા બિયારણનો ઉગાવો જોવા મળ્યો પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામ વધી રહ્યો છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન અને સહાય મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામે અડદની ખેતી કરી ખેડૂત સમૃધ્ધ બન્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જેથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકે. આવા જ એક ખેડૂત છે ધરમપુર તાલુકાના વિરવલ ગામના રતિલાલ બાબુભાઈ પટેલ. તેઓ જણાવે છે કે, આત્મા પ્રોજેક્ટ દ્વારા ધરમપુરના બરૂમાળ ખાતે યોજાયેલી સુભાષ પાલેકરની ૭ દિવસની ઓનલાઈન તાલીમ કાર્યક્રમમાં ભાગ લઈને પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી. આપણા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને સુભાષ પાલેકરે લખેલા પ્રાકૃતિક ખેતીના પુસ્તકો વાંચી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
વધુમાં તેઓ જણાવે છે કે, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અમારા ગામે આવી જીવામૃત, ઘનજીવામૃત બનાવવાની તાલીમ આપી અને સાથે દશપર્ણી અર્ક નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જે રોગ જીવાત નિયંત્રણ માટેના આયામો બનાવવાની પણ તાલીમ આપી હતી. પ્રાકૃતિક ખેતીમાં રીંગણ, અડદ જેવા પાકોની ખેતી કરી હતી. રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગથી જમીન અને પૈસા બંનેનો બગાડ થાય છે. જ્યારે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સાધનો ઘરની આજુબાજુ જ મળી રહે છે. બજારથી ખરીદી કરીને લાવવાની જરૂર રહેતી નથી જેથી આપણો ખેતી ખર્ચ ઘટે છે.
અડદના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કર્યુ તો ૧૦૦ ટકા બિયારણનો ઉગાવો જોવા મળ્યો હતો. જમીન તૈયાર કરી ઘનજીવામૃત નાંખ્યુ હતુ અને વાવેતર કરીને સાથે જીવામૃત આપ્યું તો બિયારણનો ઝડપથી વ્યાપ વધ્યો અને છોડ પણ તંદુરસ્ત થયા હતા. આમ, સમયાંતરે જીવામૃત પાણી સાથે આપવાનું ચાલુ રાખ્યું હતુ. સતત જીવામૃત આપવાથી અમારી જમીનમાં ભરપૂર પ્રમાણમાં અળસિયા જોવા મળ્યા હતા તેમજ જમીન પોચી અને ફળદ્રુપ બની હતી. જેથી પાકનું ઉત્પાદન પણ સારૂ આવ્યું હતું. ઉત્પાદનની ગુણવત્તા સારી હોવાથી બજાર ભાવ પણ સારો મળ્યો હતો. બે એકર જમીન પર પ્રાકૃતિક કૃષિ કરી રાસાયણિક ખાતરથી થતી ખેતી કરતા વધુ સારી આવક મળી રહી છે. જે બદલ હું રાજ્ય સરકારનો આભાર માનુ છું.
