વન, પર્યાવરણ, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે જળ સંચય કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં મંત્રી જણાવ્યું હતું કે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં મેઘરાજાની મહેર રહે છે, પરંતુ આ વરસાદી પાણી નદી-નાળા મારફતે દરિયામાં નિરર્થક વહી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘કેચ ધ રેન’ અભિયાન હેઠળ જન આંદોલન થકી દેશવાસીઓને વધુમાં વધુ જળસંચય કરવાનું આહ્વાન કર્યું છે.
જેના અનુસંધાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વોટર હાર્વેસ્ટિંગનું અભિયાન તેજગતિએ આગળ વધી રહ્યું છે, ત્યારે ઓલપાડ તાલુકાના ૧૦૫ ગામોમાં સરકારી જગ્યા, સરકારી સ્કૂલો, ગ્રામ પંચાયતની જગ્યા, ઔદ્યોગિક એકમોમાં જ્યાં વરસાદી પાણી ભરાય છે તેવી જગ્યાનું સર્વે કરી વધુમાં વધુ ભૂગર્ભ રિચાર્જ સ્ટ્રકચર બનાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં પાણી પૂરવઠા મંત્રીશ્રીએ કહ્યું કે, ઓલપાડના દરેક ગામમાં સાંસદ, ધારાસભ્યોની ગ્રાન્ટ, ઔદ્યોગિક કંપનીઓના સીએસઆર ફંડ તેમજ જિલ્લા-તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી દરેક ગામમાં ૧૦૦થી વધુ વોટર રિચાર્જ સ્ટ્રક્ચર એક મહિનામાં તૈયાર કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો.
ઓલપાડ તાલુકામાં દસ હજારથી વધુ વોટર રિચાર્જિંગ સ્ટ્રક્ટર એક મહિનામાં જ બનાવવા સૌને સૂચન કર્યું હતું. સાથે ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે માટે ઓલપાડ તાલુકાના દરિયા કાંઠાના ૨૮ ગામોમાં વોટર હાર્વેસ્ટિંગના વધુમાં વધુ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે એમ જણાવી દરિયામાં વહી જતા વરસાદના પાણીને ભૂગર્ભમાં રિચાર્જ કરવા સૌને પ્રેરિત કર્યા હતા. જળસંચય કાર્ય દરમિયાન બીફોર-આફ્ટરના ફોટોસ લઈ પોર્ટલ પર અપલોડ કરવા સૂચન કર્યું હતું, જેથી લોકોને પણ થયેલી પ્રગતિની રિઅલટાઈમ જાણકારી સહ પ્રેરણા મળે.
