Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો રાજ્યમાં તારીખ ૧૦મી એપ્રિલ, ૨૦૨૫થી અમલ થશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં ૧૦મી એપ્રિલ, ૨૦૨૫, ગુરુવારથી અમલી થશે.

 

રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે,

* વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.

* રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.

* રૂ.૧૦ કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.૮,૦૦,૦૦૦/-ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.૧૫,૦૦,૦૦૦/- કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.૭૫,૦૦,૦૦૦/- સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

* વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.

* ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે.

* તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીવની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ ૬ ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

* એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના ૧%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.૫૦૦/- અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.૧૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે.

* ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઇ કરવાની જવાબદારી બેંકો/નાણાંકીય સંસ્થાઓની રહેશે.

* ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં  કરવામાં આવી છે.

 

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે. વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!