Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનમાં સિટિઝન સેન્ટ્રિક આ નિર્ણયોથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોની ભૂમિકા આપતાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા  હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રિમિયમ પણ ભરવાનું રહે છે.

 

મુખ્યમંત્રીશ્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે (suo-motu) નોંધ પાડવાની રહેશે.

 

પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ ક્રાંતિકારી નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા,વેપાર સ્થાપવા માટે જૂનીશરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે, રોજગારી તથા રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. તથા સરકારી કચેરીઓમાં પ્રિમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે.

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યુ કે, વિકાસને વેગવંતો બનાવવા રાજ્ય સરકારે લોકાભિમુખ વહીવટની પરંપરાને આગળ ધપાવીને મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવાની જે વ્યવસ્થા ઊભી કરી છે તેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે –

* સંબંધિત કલેકટરશ્રીને અરજી કર્યાની તારીખથી ૩૦ દિવસમાં નિર્ણય કરવાની જેાગવાઈ કરવામાં આવી છે.

* પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો ૧૦ દિવસમાં પ્રિમિયમ/દંડ/રૂપાંતરણ/વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.

* પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી ૨૫ વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહિ. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે એમ પણ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણયોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ મુજબના વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા વધુ વેગવાન બનશે. ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને “કમ્ફર્ટ ઓફ ડુઈંગ બિઝનેસ” અને મેક્ઝિમમ ગવર્નન્સ-મિનિમમ ગવર્નમેન્ટ ચરિતાર્થ થશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!