રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાની જાહેર જનતાને હિટવેવના સમયે કેટલીક બાબતોનું પાલન કરી ગરમીથી બચવા માટે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, તાપી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવુ. આખુ શરીર અને માથુ ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી.
ચા-કોફી અને આલ્કોહોલના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે. તેથી તેનું સેવન કરવાનું ટાળવું. બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવુ. માથું દુ:ખવુ, પગની પિંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધવુ, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવુ, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવુ, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો કે ૧૦૮ નો સંપર્ક સાધવો. આમ કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે.
