સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ મોસાલી મુખ્ય માર્ગ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં માર્ગ પરથી પસાર થતી કારને બીજી કારે ટક્કર માર્યા બાદ મહિલાને બચાવવા જતા એક કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. તેથી તેની કાર માર્ગની બાજુમાં ખાડામાં પલટી મારી ગઈ હતી. જોકે આ વેળા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. 
મળતી માહિતી મુજબ, માંડવીનાં તરસાડા ગામનાં સુદિપસિંહ મહિડા પોતાની આઈ૧૦ કાર લઈને પત્ની અને તેમની નાની પુત્રી સાથે માંગરોળ ગામે ઘરના કોઈ પ્રસંગમાં જઈ રહ્યા હતા. ત્યારે વાંકલ ગામે પાનેશ્વર ફળિયા નજીક પ્રયોજન સોસાયટીમાંથી કાર લઈને મુખ્ય માર્ગ ઉપર ચડી રહ્યો હતો. તે દરમિયાન માર્ગ પરથી પસાર થતી આઈ૧૦ કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં સુદીપસિંહ મહિડાની કારને ટક્કર વાગી હતી. આ સમયે સુદીપસિંહે માર્ગ પરથી પસાર થતી મહિલાને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્ટેરીંગ પર કાબૂ ન રહેતાં તેમની કાર માર્ગની બાજુના ખાડામાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા આજુબાજુના ફળિયાના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ સુદિપસિંહ અને તેમની પત્ની, નાની બાળકીને સ્થાનિકોએ કારની બહાર કાઢ્યા હતા.



