Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડાંગ જિલ્લો : ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલ ખેડૂતે ટેક્નોલોજીના સહારે સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઝવેરચંદ મેઘાણી રચિત આ પંક્તિનો અર્થ થાય છે કે, જે વ્યક્તિ યુવા અવસ્થામાં સાહસ કરીને કામ કરે છે તે જીવન જીવી જાણે છે અને નવું સર્જન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ઉક્ત પંક્તિઓને સાબિત કરી બતાવી છે ડાંગના એક તરવરિયા યુવાને. ડાંગ જિલ્લાના મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ મોટા માંળુગા ગામનો ૨૬ વર્ષીય યુવક શ્રી જિગ્નેશભાઇ મધુભાઇ ભોયે જેણે, પ્રાકૃતિક ખેતી કરનાર પ્રગતિશીલ ખેડુત તરીકે નામનાં મેળવી છે. પાણીની અછત છતાંય ફળાઉ પાકની ખેતીમાં સાહસિકતા દાખવી આ યુવકે એક એકર જમીનમાં સ્ટ્રોબેરીનો મબલક પાક રળ્યો છે.

માત્ર ૧૦ ધોરણ સુધી અભ્યાસ કરેલ જિગ્નેશભાઇ ભોયેએ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી યુટ્યુબના માધ્યમથી ખેતી વિશે જાણકારી મેળવી સ્ટ્રોબેરીની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લાં ત્રણ વર્ષ થી તેઓ સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યાં છે. તેઓ દર વર્ષે વાર્ષિક ૬ થી ૭ ટન જેટલું ઉત્પાદન મેળવે છે પરંતુ ચાલુ વર્ષ દરમિયાન એક એકર જમીનમાં રેકર્ડ બ્રેક ૧૦ ટન સ્ટ્રોબેરીનો પાક મેળવી તેઓ અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારત બનાવવાનું સ્વપ્ન ડાંગના મોટા માળુંગાનો આ યુવાન સ્વપ્ન સાકાર કરી રહ્યો છે.

ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો, જે બાદ રોજગારી માટે વાપી કે અન્ય ઇન્ડસ્ટ્રિયલ એરીયામાં નોકરી કરી, સાથે જ નજીકના મહારાષ્ટ્ર રાજ્યમાં દ્રાક્ષ અને સ્ટ્રોબેરીના ખેતરોમાં ખેત મજૂર તરીકે કામ કર્યું. પરંતુ આંખોમાં નવા સ્વપ્ન સેવી રહેલાં આ યુવકે ખેત મજૂર નહીં પરંતુ ખેત માલિક બનવાનો નિર્ણય કર્યો. વર્ષો થી તેઓના બાપદાદાઓ અને માતા-પિતા ખેત મજૂર તરીકે કામ કરતાં હતાં, પરંતુ ખેત મજૂર માંથી માલિક બનવાનો નિર્ધારિત કરેલ નિર્ણય આ યુવકે, ખેતી ક્ષેત્રે સંશોધન શરૂ કર્યું, ખેતી વિશે જાણકારી મેળવી સરકારના વિવિધ કાર્યક્રમો તેમજ તાલીમ મેળવી, પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી અને ઘર બેઠાં પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. શરૂઆતમાં પારંપરિક ખેતી સિવાય કારેલાં, દૂધી અને ટાંમેટાની ખેતી કરી, પરંતુ તેમાં સફળતા મળી નહી.

જે બાદ ઇન્ટરનેટ ઉપર ફળાઉ પાકો ની જાણકારી મેળવી સાથે જ ફળાઉ પાકો માટે સરકારની યોજનાઓની વિગતો મેળવી અને સ્ટ્રોબેરીની ખેતી કરવાનું નક્કી કર્યું. શરૂઆતના વર્ષોમાં ઓછી જગ્યામાં સ્ટ્રોબેરીની ખેતી કરી જેનું છૂટક વેચાણ આહવા તેમજ સાપુતારા ખાતે કર્યું. આ સાથે જ ડાંગ જિલ્લાના બાગાયતી વિભાગના અધિકારીઓ પાસેથી ખેતી વિશે વધુ જાણકારી મેળવી, ખેતી પધ્ધતીઓ જાણી અને ત્રીજા વર્ષે એક એકર જમીનમાં સાહસ કરીને સ્ટ્રોબેરીની ખેતી કરી જેમાં વાર્ષિક ૧૧ ટન સ્ટ્રોબેરીનો પાક મેળવ્યો જેનું તેઓ મોટ પાયે અમદાવાદમાં એક્સપોર્ટ કરી રહ્યાં છે. જિગ્નેશભાઇ ભોયે જણાવે છે કે, વર્ષો થી તેઓનો પરિવાર પારંપરિક ડાંગર, નાગલી, અડદ, વરઇ વગેરેની ખેતી કરી રહ્યાં છે.

ભણતર બાદ તેઓ પોતે પણ છેલ્લાં ૬ વર્ષથી ખેતીના કામમાં જોતરાયેલા છે. તેઓએ પોતાની ખેતી સાથે બહાર ગામ મજુરી કામ પણ કર્યું પરંતુ આત્મનિર્ભર બનવાનું નક્કી કરી તેઓએ ખેતીમાં ઝંપલાવ્યું, ખેતી પ્રત્યે પ્રમે થયો અને ગામમાં જ પોતાના ખેતરમાં ખેતીની શરૂઆત કરી જે બાદ તેઓએ ખેતીમાં નવતર પ્રયોગો કરી સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યાં છે. તેઓએ અર્લી વિન્ટર અને વિન્ટર ડાઉન નામની ૨ સ્ટ્રોબેરીની જાતને ખેતરમાં વાવી છે. જેને સામાન્ય રીતના ૯૦ થી ૧૦૫ દિવસમાં પાક આવવાની શરૂઆત થાય છે. પાક આવ્યાં બાદ દર બે ત્રણ દિવસે સતત પાકની લણણી કરવી પડતી હોય છે. જેના માટે તેઓને સાત થી આઠ મજૂરોની જરૂર પડતી હોય છે. જેથી ખેતીના કામ થી તેઓએ ગામમાં જ રોજગારી સર્જી છે. તેમજ તેઓ જથ્થાબંધ સ્ટ્રોબેરી સુરત, ભરૂચ તેમજ મોટ પાયે અમદાવાદ માર્કેટમાં પોતાનો પાક વેંચી રહ્યાં છે.

જેનાથી તેઓને ઘર બેઠાં આવક મળી રહે છે તેમજ ગામના લોકોને રોજગારી પણ મળી રહે છે. સ્ટ્રોબેરીના પાક થી તેઓ વાર્ષિક સરેરાશ ૭ થી ૮ લાખની મબલક કમાણી કરી રહ્યાં છે. જિગ્નેશભાઇ ભોયે સરકાર તેમજ બાગાયતી વિભાગનો આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે, તેઓને બાગાયતી પાકોમાં કૃષિ સહાય, હાઈબ્રીડ બિયારણ માટે ૫૦ ટકા સહાય, તેમજ સ્ટ્રોબેરીના રોપા માટે સહાય, પ્લાસ્ટિક આવરણ, પેંકીગ મટીરિયલ, કાચા મંડપ સહાયમાં દરેક યોજના દીઠ કુલ ૭૫ ટકાની સહાય પ્રાપ્ત થઇ છે. ઉપરાંત બાગાયત વિભાગ માંથી પ્રેરણા પ્રવાસ તરીકે તેઓ સૌરાષ્ટ્ર જિલ્લાની મુલાકાતે પણ ગયાં હતાં. વધુમાં તેઓ જણાવે છે કે, ડાંગ જિલ્લાનું વાતાવરણ સ્ટ્રોબેરીના પાક માટે અનુકુળ છે. જેથી મહારાષ્ટ્રમાં ખેત મજૂર તરીકે જતાં લોકોએ પોતાના વતનમાં જ ખેતીની શરૂઆત કરવી જોઇએ, સરકાર બાગાયતી પાકોમાં સહાય તેમજ પ્રાકૃતિક કૃષિમાં સહાય આપી રહી છે.

સ્ટ્રોબેરી પાક ડાંગની ઓળખ બનશે તેમજ અહિં મોટી સંખ્યામાં લોકો સ્ટ્રોબેરીના કારણે રોજગારી પ્રાપ્ત કરી શકે છે એવો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નાયબ બાગાયત નિયામક શ્રી તુષારભાઇ ગામીતે વિભાગ અંગેની માહિતી આપતાં જણાવે છે કે, પાક ઉત્પાદન થી બજાર વ્યવસ્થા સુધીની તમામ યોજનાઓ સરકારમાં ચાલુ છે. જેમાં બાગાયત વિભાગ દ્વારા શાકભાજી માટે હાઇબ્રિડ બિયારણ, કાચાં/અડધાં પાકા/ પાકા મંડપ, ફળાઉ પાક માટેની યોજના, પ્લાસ્ટીક આવરણ, બાગાયતી પેદાશો માટે પેંકિગ મટીરીયલમાં સહાય સાધનો (તાડપત્રી/વજન કાંટો અથવા પ્લાસ્ટિક કેરેટ), બાગાયતી યાંત્રિકીકરણ માટે (મિની ટ્રેક્ટર, પાવર ટીલર, સ્વયં સંચાલિત બાગાયતી મશીનરી પાવર વિડર, બૅટરી ઓપરેટેડ સ્પ્રે પંપ જેવી યોજનાઓ આપવામાં આવે છે. ડાંગ જિલ્લાના ૧૫ હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતી કરવામાં આવે છે.

જેમાં રીંગણ, મરચાં, ટામેટાં, કારેલાં, ભીંડા, ડુંગળી, દુધી, ફણસી, આંબા, કાજુ, તરબૂચ, સ્ટ્રોબેરી, કોબી, હળદર, સફેદ મુશળી, વિગેરેની ખેતી કરવામાં આવે છે. જેમાં ૧૦ થી ૧૨ હેક્ટર વિસ્તાર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ડાંગમાં સ્ટ્રોબેરીની ખેતી કરતાં ૬૪ ખેડુતો જે પૈકી ૭ મહિલાઓને સ્ટ્રોબેરી માટે વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા થકી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ડાંગ સહિત ગુજરાતના ખેડૂતો ‘નેચરલ ફાર્મીગ’ તરફ પ્રયાણ કરી રહ્યા છે. સરકારના સતત કૃષિલક્ષી કાર્યક્રમોની સફળતાના પગલે ડાંગના છેવાડાના વિસ્તારના યુવા ખેડુત જિગ્નેશભાઇ ભોયે જેવા ખેડૂતોના આર્થિક, સામાજિક જીવનમાં પરિવર્તન આવ્યું છે. બાગાયતી યોજનાઓની સબસીડી તેમ ખેડુતોને આપવામાં આવેલ તાલીમોના કારણે ખેડૂતો પરંપરાગત ખેતી છોડી ને બાગાયતી પાકો અપનાવી વધુ આવક મેળવતા થયા છે. સાથે જ ઓછા ખર્ચે ખેતીમાં વધુ ઉત્પાદન મેળવતા થયા છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!