ગાંધીનગર શહેરના સેક્ટર-૪માં રહેતા યુવાન દ્વારા ભાડેથી કાર લીધા બાદ પરત નહીં કરતા કાર પરત લેવા આવેલા યુવાન ઉપર સાગરીતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ યુવાનને ધમકી પણ આપવામાં આવી હતી. જેથી આ મામલે સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ડ્રાઈવઇન રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતા સૌરભ મોહનભાઈ ગુપ્તા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તે કાર રેન્ટ ઉપર આપવાનો વ્યવસાય કરે છે અને સેક્ટર ૪- સી પ્લોટ નંબર ૬૪૫-૨માં રહેતા રવિ દિનેશભાઈ ઠક્કર દ્વારા તેમની પાસેથી એક દિવસ માટે કાર ભાડે લેવામાં આવી હતી. 
જેથી સૌરભ તેના અન્ય ડ્રાઇવર સાથે તેની કાર લઈને ગાંધીનગરના સેક્ટર ૪માં આવ્યો હતો જ્યાં રવિના ઘર આગળ ઊભા રહીને ફોન કરતા તેણે કહ્યું હતું કે તું રાત્રે આટલા વાગે મારા ઘરે આવેલ છે તેને ડર લાગતો નથી તેમ કહીને તું હવે જીવતો નહીં જઈ શકે તેમ કહીને તારી ગાડી પણ સળગાવી દઈશ તેવી ધમકી આપી હતી. આ દરમિયાન રવિના ઘર આગળ ઉભેલા ત્રણ જેટલા વ્યક્તિઓએ સૌરભની કાર ઉપર પથ્થરમારો કર્યો હતો અને તેના કારણે તે ત્યાંથી નીકળી ગયો હતો ત્યારબાદ આ સંદર્ભે પોલીસને જાણ કરી હતી. હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા રવિ ઠક્કર તેમજ તેના અન્ય ત્રણ સાગરીતો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.




