લંડનમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પૂર્ણ કરી વતન પરત ફરી નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં ગૌ પાલક દિપેનભાઈ કાંતિભાઈ દેસાઈ છેલ્લા ૫ વર્ષથી ગૌ-શાળા બનાવી અલગ-અલગ નસલની ગીર ગાયો રાખે છે. જેના દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી બનાવી ઘર-આંગણે જ વેચાણ કરી રોજગારી મેળવે છે. શ્રી દિપેનભાઈ દેસાઇ પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરતા જણાવ્યું કે, ગાય આધારિત ખેતીનું મહત્વ પરિવારને સમજાવ્યા બાદ અમે શરૂઆતમાં એક ગાય લાવી એનું પાલન-પોષણ કરી સ્થાનિક કક્ષાએ દૂધનું વેચાણ કરવાની શરૂઆત કરી.
ત્યારબાદ ગાયોમાં વધારો થતા ગૌ-શાળા બનાવી ગાયોની સાર-સંભાળ રાખીએ છે. ગૌ-પાલક શ્રી દિપેનભાઈ પાસે ૯ મોટી ગીર ગાયો, ૪ મધ્યમ કદની ગીર ગાયો, ૮ વાછરડીઓ અને ૧ નંદી છે. ગીર ગાયના દૂધમાંથી ઘર-આંગણે દહીં, છાસ, માખણ અને ધી બનાવીને નર્મદા સહિત અન્ય જિલ્લામાં, રાજ્યમાં પણ વેચાણ કરી બમણી કમાણી કરૂ છું. તેમજ ગૌ-શાળામાં ગાયોની સાર-સંભાળ રાખતા સ્થાનિક લોકોને પણ ઘર-આંગણે આવક મળી રહે છે. નવાઈની વાત એ છે કે, શ્રી દિપેનભાઈએ ગૌ-શાળામાં રાખવામાં આવેલ ગાયો, વાછરડીઓ અને નંદીને ઓનલાઈન સીસટમ થકી પાણી પીવડાવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે, લીલો ઘાસ-ચારો ખેતરમાં ઉગાડીને પશુપાલનને ખવડાવવામાં આવે છે. અને ગૌ-મુત્રનો સંગ્રહ કરીને એમાંથી બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદાન, વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. જેનો ખેતરમાં ઉપયોગ કરે છે.
આ ખાતરનો ઉપયોગ ૧૨ એકરની જમીનમાં હળદર, પપૈયા, શેરડી, કેળા, લીંબુ, જામફળ, જાબું સહિત વિવિધ પ્રકારની શાકભાજી અને ફળફળાદીઓની પ્રાકૃતિક ખેતી કરે છે. શ્રી દિપેનભાઈ દેસાઈ ગાય આધારિત ખાતરનો મહત્વ સમજાવતા જણાવ્યુ કે, ખેતરમાં જે પણ સારૂ ઉત્પાદન થાય છે. એમાં અમારી ઘણી જ મહેનત છે. જે અમને આજે પશુપાલન ખેતીથી ફળી રહી છે. આ ઉત્પાદનમાં નથી કોઈ ખાતરવાળાને કે કોઈ દવાવાળાને બીલ ચુકવવાનુ રહેતું. ખાતરની અંદરથી જે પણ નફો થાય છે. તે અમારો પોતાનો છે. આટલા વર્ષની મહેનત પછી ખબર પડે છે કે, જો ખેડૂત પોતાના ઘરે ગાય રાખે અને એના આધારે ખેતી કરશે તો એમાંથી સારી એવી કમાણી કરી શકે છે.
વધુમાં દેસાઈએ જણાવ્યું કે, જે ખેડૂતોને ગાય રાખવી ન હોય તેઓ મારી ગૌ શાળામાથી ગૌમૂત્ર, છાસ અને છાણ લઈ જઈને ખેડૂતો પોતાના ઘરે જીવામૃત બનાવી પોતાના ખેતરમાં ઉપયોગ કરી શકે છે. ગૌ-પાલકો માત્ર દૂધની જ ગણતરી કરતા હોય છે. પણ દૂધની સાથે ગૌમૂત્ર અને છાણનો પણ હિસાબમાં ગણતરી કરે તો ગૌ-પાલકને કોઈ દિવસ નુકશાન ન જાય. દિપેનભાઈને ગૌ-શાળામાંથી અંદાજીત ૩ થી ૪ લાખ આવક વર્ષે મળી રહે છે. ખેડૂતમિત્રોને ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરતા જણાવ્યું કે, પોતાના ખેતરને બચાવવા પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. માટે ખેતીની સાથે પશુપાલન એટલે કે બાપ-દાદા વડવાઓ જે ખેતી કરતા હતા એને ફરી પુન: અપનાવવી જોઈએ. તેમ અન્ય ખેડૂત પશુપાલકોને પ્રેરણા પુરી પાડે છે.
