ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ક્લાસ 1-2ની પરીક્ષા આવતીકાલે રવિવારે એટલે કે 20 એપ્રિલ, 2025નાં રોજ યોજાશે. જેમાં ગુજરાતના 21 જિલ્લામાં 97 હજારથી વધુ ઉમેદવારો માટે પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલા પ્રવેશ આપવામાં આવશે. GPSCની ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની જાહેરાત ક્રમાંક-240/2024-25ની કુલ 244 જગ્યા માટે આવતીકાલે રવિવારે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે.
જેમાં GPSCની વર્ગ-1ની 39 અને વર્ગ-2ની 168 માટે પરીક્ષા યોજાશે. જેમાં 12:00થી 3:00 વાગ્યા સુધીમાં પરીક્ષા લેવામાં આવશે.
જ્યારે પરીક્ષા ખંડમાં સઘન દેખરેખ રાખવા દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા એક્ટિવ છે. પરીક્ષાર્થીઓના સામાનની સુરક્ષા માટેની વ્યવસ્થા કરાઈ છે. જયારે રાજ્યમાં આવતીકાલે રવિવારે GPSCની પરીક્ષા છે, ત્યારે વડોદરામાં શિક્ષણ વિભાગ દ્વારા 18 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વડોદરામાં 4296 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જવાબવહી મોકલાશે. પરીક્ષાને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, પરીક્ષાકેન્દ્રના 100 મીટરના અંતરમાં અનધિકૃત વ્યક્તિએ એકત્રિત ન થવું. આ સાથે કોઈએ ઝેરોક્ષ મશીન શરુ ન રાખવું.
