ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી ડી.જી.વી.સી.એલ કંમ્પાઉન્ડ, ઓ.એન.જી.સી. વર્કશોપ અંકલેશ્વર ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ્હસ્તે ડીજીવીસીએલની નવનિર્મિત કચેરીઓનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી, અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી , અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત ઔદ્યોગિક વિભાગીય કચેરીનું મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને અન્ય મહાનુભાવોએ રિબિન કાપીને લોકાર્પણ કરાયું હતુ.
બાદમાં તેમણે નવનિર્મિત મકાનની વિવિધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. અને કાર્યક્રમના સ્થળેથી પેટા વિભાગીય કચેરી- પાલેજનું નવનિર્મિત મકાનનું રિમોટ દ્નારા ઈ- લોકાર્પણ પણ કર્યું હતું. આ તકે, નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના વિભાગના માનનીય કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, ગુજરાતમાં લોકોને સારી સુવિઘા મળે તે હેતુથી ગુજરાત વિદ્યુત બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવતા ગુજરાતમાં ચાર વીજ-વિતરણ કંપનીઓ અસ્તિત્વમાં આવી હતી. જે પૈકી DGVCL રાજ્યના ૭ જેટલા જિલ્લાઓમાં વીજ પુરવઠો પૂરો પાડી અવિરત સેવાઓ આપી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશની જુદી – જુદી ૪૨ સરકારી વીજ વિતરણ કંપનીઓમાં સર્વે કરવામાં આવ્યો હતો. મને જણાવતા આનંદ થાય છે કે, આ સર્વેમાં ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+ રેટિંગ મળ્યો છે અને તેમાં પણ DGVCL પ્રથમ ક્રમે છે. DGVCLને છેલ્લા બે દાયકામાં ૪3 જેટલા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ્ઝ મળેલ છે. એટલુ જ નહીં પરંતુ વર્ષ ૨૦૧૩થી સતત A+ રેટિંગ મેળવીને ભારતની અગ્રગણ્ય વીજ-વિતરણ કંપની તરીકે પોતાને પ્રસ્થાપિત કરી છે.
જે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઈજનેરોને અને કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું અને આગામી દિવસોમાં ગુજરાતના વીજ-વપરાશકારોને વધુ સારી સગવડો અને સેવાઓ આપવામાં સતત પ્રયત્નશીલ રહેશો તેવો અનુરોધ તેમણે કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાડાના મકાનમાં કાર્યરત એવી અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી, અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી , અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરીનું રૂ. ૬ કરોડ ૬૯ લાખના ખર્ચે ૨૮૫૫ ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવતા અંકલેશ્વર GIDC વિસ્તાર , ઝગડીયા GIDC વિસ્તાર , પાનોલી GIDC વિસ્તાર તથા અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને અદ્યતન સુખ સુવિધા વાળી ઓફિસ અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થનાર છે.
આ સાથોસાથ પાલેજ પેટા વિભાગીય કચેરીનું રૂ. ૧ કરોડ ૮૧ લાખના ખર્ચે ૪૨૮ ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવી ઓફિસનું નિર્માણ કરાયું છે. જે ભરૂચ , આમોદ તથા કરજણ તાલુકાના વીજગ્રાહકોને અદ્યતન સુખ-સુવિધા વાળી ઓફિસ અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે. અંતે તેમણે ઉમેર્યું હતું કે, ભરૂચ જિલ્લાની વાત કરીએ તો વર્ષ ૨૦૦૨માં ૨૩ સબ સ્ટેશનો હતા. જે હાલ વધીને ૭૪ સબ સ્ટેશનો થયા છે. લોકોની સુખાકારી માટે છેલ્લા ૨૦ વર્ષમાં ૫૧ નવીન સબસ્ટેશનો બનાવવામાં આવેલ છે. અને આગામી બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં નવા ૧૧ સબસ્ટેશનો બનાવવાનું આયોજન છે.
આ આયોજન થકી ૬૬ કેવી ફુલવાડી, ૬૬ કેવી ગોવાલી , ૬૬ કેવી સોડગામ, ૬૬ કેવી તણછા, ૬૬ કેવી દીવી, ૬૬ કેવી સાયખા-૩, ૬૬ કેવી ચાવજ, ૬૬ કેવી પાનોલી-સી, ૬૬ કેવી વેડચ, ૬૬ કેવી કાપોદ્રા, ૬૬ કેવી આછોદ સબસ્ટેશનો બનતા તેનો લાભ જિલ્લાના નાગરિકોને થવાનો છે. આ તબક્કે, ડી.જી.વી.સી.એલ કંપની લિમિટેડ કોર્પોરેટ કચેરી સુરત મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોદન આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વીજ ક્ષેત્રના આધુનિકીકરણ અને સુદ્રઢિકરણ માટે રીવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અંતર્ગત ભારતના પ્રથમ રાજય તરીકે ગુજરાત સરકારને ફાળવવામાં આવેલ નાણાં પૈકી કુલ રૂ. ૪૧૨૦.૬૭ કરોડ રૂપિયા DGVCLને ફાળવવામાં આવ્યા છે, જે પૈકી ભરૂચ જિલ્લા માટે કુલ રૂ. ૧૭૫ કરોડ ફાળવવામાં આવતા ભરૂચ જિલ્લામાં વીજ માળખાના આધુનિકરણ અને સુદ્રઢિકરણ માટેની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વધુમાં તેમણે કહ્યું કે, વિવિધ વીજ માળખાના આધુનિકરણ સાથે આપણે લોકોને પણ તત્વરિત સેવા આપવા તત્પર રહેવું પડશે. કોઈ પણ અસુવિધા સામે શોર્ટ ટાઈમ સોલ્યુશન સાથે કામગીરી કરવાની તેમણે ડી.જી.વી.સી.એલના કર્મચારીઓને હિમાયત કરી હતી. આ પ્રસંગે, ધારાસભ્ય સર્વેશ્રી ઈશ્વરસિંહ પટેલે વીજ માળખાના આધુનિકરણ અને સુદ્રઢિકરણ માટે ફાળવવામાં આવેલા ગ્રાન્ટ માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. વીજગ્રાહકોને અદ્યતન સુખ-સુવિધા વાળી ઓફિસ અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
