નવી સિવિલ હોસ્પિટલના હિમોફિલિયા કેર સેન્ટર-સુરત ચેપ્ટર દ્વારા વિશ્વ હિમોફિલિયા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંગદાન પ્રવૃત્તિના પ્રણેતાશ્રી દિલીપદાદા દેશમુખ, કોર્પોરેટર શ્રી વ્રજેશભાઈ ઉનડકટ, તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. ડો. કેતન નાયક, મેડિકલ ડાયરેક્ટર (હિમોફિલિયા સેન્ટર,નિર્મલ હોસ્પિટલ) ડો.વિજય શાહ તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં હિમોફિલિયાના ૧૦૦ જેટલા દર્દીઓ પણ જોડાયા હતા.
દેશમાં અંગદાન પ્રત્યે મહત્તમ લોકો જાગૃત્ત થાય એ ઉદ્દેશથી અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં લાખો લોકો દુર્લભ હિમોફિલિયાની બીમારીથી પીડાય છે. હિમોફિલિયા એ લોહીનો વારસાગત રોગ છે, જેમાં લોહી યોગ્ય રીતે ગંઠાતું ન હોવાથી રક્તસ્ત્રાવ થાય છે.
દેશમુખે જણાવ્યું કે, હિમોફિલિયાને એક બિમારી તરીકે નહીં, પણ પડકાર તરીકે લઈ દર્દીએ હંમેશા આનંદિત રહેવું જોઈએ. ખુશી અને ઉર્જા, જુસ્સો હિમોફિલિયાના દર્દી માટે કારગર અને અસરકારક દવા છે ઉપરાંત, યોગ, ધ્યાન અને પ્રાણાયામ પણ સંજીવની સમાન બની દર્દીને સ્વસ્થ રાખે છે. મેં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ છેલ્લા પાંચ વર્ષમાં અંગદાન તેમજ સામાજિક જનજાગૃત્તિ માટે દેશભરમાં અઢી લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે એમ ઉમેર્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૨થી હિમોફિલિયાના દર્દીઓને વિનામૂલ્યે ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી હતી, જેના કારણે હિમોફિલિયાના દર્દીઓ આજે વધુ સ્વસ્થ અને સક્રિય જીવન જીવી રહ્યા છે એનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.
મેડિકલ ડાયરેક્ટર (હિમોફિલિયા સેન્ટર,નિર્મલ હોસ્પિટલ) ડો. વિજય શાહે જણાવ્યું કે, હિમોફિલિયા બીમારીમાં ક્લોટિંગ ફેક્ટરની અછત હોય છે એટલે લોહી જલદી જામતું નથી. લોહીમાં કુલ ૧૩ પ્રકારના ક્લોટિંગ ફેક્ટર હોય છે જેમાંથી ફેક્ટર ૮ અને ૯ ફેક્ટર ખામીયુક્ત હોય તો હિમોફિલિયા થવાની શક્યતા રહે છે. હિમોફિલિયાના A, B અને C એમ ત્રણ પ્રકાર છે અને તેમાં ગંભીરતા પ્રમાણે સિવિઅર, મોડરેટ અને માઈલ્ડ એમ ત્રણ પ્રકારના દર્દીઓ જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં દર ૧૦ હજાર વ્યક્તિમાંથી ૧ વ્યક્તિને હિમોફિલિયા થાય છે. તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમારે જણાવ્યું કે, નવી સિવિલ સ્થિત હિમોફિલિયા કેર સેન્ટરમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય શહેરો અને રાજ્યોના દર્દીઓ પણ સારવાર લેવા આવતા હોવાથી આ સેન્ટરને આગામી દિવસોમાં વધુ અદ્યતન બનાવવા જઈ રહ્યા છીએ. જેમાં વધુમાં વધુ દર્દીઓને વધુ કાર્યક્ષમ અને ઝડપી સારવાર મળી શકશે.
નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઈકબાલ કડીવાલાએ કહ્યું કે, સુરતમાં હિમોફિલિયાના ૬૫૦ થી વધુ દર્દીઓ છે, ત્યારે નવી સિવિલમાં દસ વર્ષથી કાર્યરત હિમોફિલિયા કેર સેન્ટર હિમોફિલિયા પીડિત દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. હિમોફિલિયા સારવાર માટે સુરત નવી સિવિલના સેન્ટરમાં ૩૦ હજારથી એક લાખ સુધીના ફેક્ટર ઈન્જેકશન વિનામૂલ્યે આપવામાં આવે છે. અહીં જરૂરી રક્ત પરીક્ષણો પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. આ સેન્ટરને દસ વર્ષ પૂર્ણ થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. કોર્પોરેટરશ્રી વ્રજેશ ઉનડકટે જણાવ્યું કે, વિશ્વ હિમોફિલિયા દિવસ આપણને સૌને એ વાતથી જાગૃત કરે છે કે સમયસર ઓળખ, યોગ્ય સારવાર અને સહાનુભૂતિથી જીવન સામાન્ય બની શકે છે.
છેલ્લા ઘણા વર્ષોથી આ સેન્ટર સાથે જોડાઈને દર્દીઓની સેવા તેમજ મદદરૂપ થવાની તક મને મળી છે. આ સેન્ટરમાં જરૂરી ફેક્ટર (ઈન્જેકશન) તેમજ ખૂટતી આરોગ્ય સુવિધાઓ માટે રાજ્ય સરકારનું ધ્યાન પણ દોરીએ છીએ એમ જણાવી ઉમેર્યું કે, અગાઉ હિમોફિલિયા માટે કોઈ જ સારવાર ઉપલબ્ધ ન હતી, પરંતુ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ સરકારી હોસ્પિટલમાં ક્લોટિંગ ફેક્ટરના ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીને હિમોફિલિયા સાથે જીવતા લોકોનું જીવન વધુ સરળ બનાવ્યું છે. નોંધનીય છે કે, હિમોફિલિયા પીડિત નિહાલ ભાતવાલા આ સેન્ટરમાં મેનેજર ઉપરાંત હિમોફિલિયા સોસાયટીના કી પર્સન તરીકે સેવા સાથે અન્ય દર્દીઓની સારસંભાળ માટે કાર્યરત છે. અન્ય એક દર્દી નેહલ પણ સેન્ટરમાં સેવા આપે છે. આ પ્રસંગે હિમોફિલિયા સોસાયટી (સુરત ચેપ્ટર)ના પ્રમુખ નિલેશ જરીવાલા, ખજાનચી નીનાબેન દેસાઈ સહિત મેડિકલ અને નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતનું હિમોફિલિયા કેર સેન્ટર ભારતનું પહેલું એવું સેન્ટર છે જે ૨૪ કલાક કાર્યરત છે.
