વલસાડ જિલ્લાનાં વાપી નજીક બગવાડાનાં ડુંગર ઉપર ઝાડી જંગલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કચરો સળગાવ્યા બાદ અચાનક જ આગ ભભૂકી ઉઠતા જોત જોતામાં ડુંગર ઉપર દાવાનળ લાગ્યો હોય તેવી સ્થિતિ હતી. ઘટના અંગેની જાણકારી વાપી નોટિફાઈડ ફાયર વિભાગમાં થતા તેમણે ફાયરની એક ગાડી રવાના કરી હતી. ત્યારબાદ આગને અડધો કલાકની જેહમત બાદ કાબુમાં લેવાઈ હતી. 
ડુંગર ઉપર બપોરના સમયે કચરો સળગાવ્યા બાદ ભભૂકી ઊઠેલી ઝાડી જંગલમાં લાગેલી આગ સમગ્ર ડુંગરના કેટલાક વિસ્તારમાં ફેલાઈ જવા પામી હતી. જેના કારણે હાઇવે ઉપરથી દૂર દૂર સુધી આકાશમાં ઊંચે સુધી ધુમાડા જોવા મળ્યા હતા. આવતા જતા વાહન ચાલકોમાં પણ ડુંગર ઉપર આગ લાગી હોવાને લઈને કુતુહલ સર્જાયું હતું. ઘટના અંગેની જાણ થતાં સ્થાનિકોએ વાપી નોટિફાઈડ ફાયર વિભાગને જાણકારી આપતા નોટિફાઈડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ તેણે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. કાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી અડધો કલાકની જેહમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.



