નવસારીનાં દરગાહ રોડનાં લંગરવાડાનાં એક મકાનમાં રોકડા રૂપિયા અને ચાંદીના દાગીનાની ચોરી કરનાર બે આરોપીઓને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, રીયાઝ ઝહીરભાઈ શેખ (રહે.લંગરવાડ, દરગાહ રોડ, નવસારી)નાં મકાનમાંથી બે દિવસ પહેલા અજાણ્યા ઈસમો રોકડા રૂપિયા ૮૦ હજાર અને દાગીનાની ચોરી કરી નાશી છૂટયાની ફરીયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. 
આ ગુન્હામાં નવસારી એલ.સી.બી.ના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં એલ.સી.બી.એ ટેક આધારે તપાસ હાથ ધરી ચોરીને અંજામ આપનાર આરોપી તુષાર રમેશભાઈ દંતાણી (રહે.રામજીપાર્ક, વિજલપોર, નવસારી. મૂળ રહે.ભોઈન ગામ, મહેસાણા) અને સુરેશ રાજુભાઈ દંતાણી (રહે.લક્ષ્મીનગર, વિજલપોર, મૂળ રહે.પાંચોટ ગામ, મહેસાણા)ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૮૦ હજાર અને ચોરી કરેલ દાગીના મળી રૂ.૧.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ કરી રહી હતી.



