આણંદ જિલ્લામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશનાં લોકોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ આણંદ શહેર સહિત પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૩૦૮ શંકાસ્પદ શખ્સોને રાઉન્ડઅપ કરી તેમની સઘન તપાસ હાથ ધરી હતી. ત્યારે આણંદ જિલ્લામાંથી ઘૂસણખોરી કરી ગેરકાયદે વસવાટ કરતા ૮ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના લોકોને શોધવાની ડ્રાઈવ ચાલી રહી છે.
ત્યારે પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના તમામ અધિકારીઓને બાંગ્લાદેશના અનઅધિકૃત રીતે રહેતા નાગરિકોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. જેના ભાગરૂપે આજે આણંદ જિલ્લાની એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો અને સ્થાનિક પોલીસે અલગ અલગ ટીમો બનાવી આણંદ શહેર, વિદ્યાનગર, પેટલાદ અને બોરસદ શહેર તેમજ ખંભાત સિટી વિસ્તારમાં વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન અમુક લોકોના રહેઠાણના પુરાવા પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાઈ આવતા પુરતી સુરક્ષા વચ્ચે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
