સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસે રોડ ક્રોસ કરી રહેલા એક 42 વર્ષીય યુવકને અડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડ્રાઇવરને પણ ઝડપી પાડ્યો હતો. આ મામલે ઉત્રાણ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના મોટા વરાછા વિસ્તારમાં 42 વર્ષીય પ્રકાશ ઔડ સોમવારે ઘર નજીક આવેલા રામચોકની પાસેના મણકી મા ચોક ખાતે પગપાળા પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તે રોડ ક્રોસ કરતાં સમય પૂરપાટ ઝડપે દોડી રહેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે પ્રકાશને અડફેટે લઈને કચડી નાખ્યો હતો. બસનું ટાયર પ્રકાશની ઉપરથી ફરી વળતા ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું. ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતા ઉત્રાણ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
