કેનેડાના ઓટાવામાં અભ્યાસ કરતી પંજાબ મોહાલીના ડેરાબસ્સીના આપ નેતા દવિંદર સૈનીની 21 વર્ષીય પુત્રી વંશિકા તાજેતરમાં ગુમ થઈ ગઈ હતી. હવે બે દિવસ પછી તેનો મૃતદેહ તેની કોલેજ નજીકના દરિયા કિનારેથી મળી આવ્યો. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ લીધો છે અને તેના રહસ્યમય મૃત્યુની તપાસ શરૂ કરી દીધી છે પરંતુ મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વંશિકા કેનેડાના ઓટાવામાં અભ્યાસ કરતી હતી અને ભાડાના ઘરમાં રહેતી હતી. વંશિકાના પિતા દવિંદર સૈનીના જણાવ્યા અનુસાર વંશિકાએ છેલ્લે 22 એપ્રિલના રોજ પરિવાર સાથે ફોન પર વાત કરી હતી.
ત્યારબાદ તે ગુમ થઈ ગઈ હતી. તેની મિત્રએ વંશિકાના ગુમ થવાની પરિવારને જાણ કરી હતી. બીજા દિવસે તેની રૂમ પાર્ટનરનો ફોન આવ્યો કે વંશિકા રૂમમાં પાછી ફરી નથી અને તેનો સેલ ફોન પણ સ્વિચ ઓફ છે અને બે દિવસ પછી કોલેજ નજીકના બીચ પરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. વંશિકા ભારતમાં 12 ધોરણમાં નોન મેડિકલ કરીને બે વર્ષ પહેલા અભ્યાસ માટે કેનેડા ગઈ હતી. જ્યાં બે વર્ષ મેડિકલનો અભ્યાસ કરીને તાજેતરમાં જ પાર્ટ ટાઈમ નોકરીમાં લાગી હતી.
કોલેજમાં તેનો વઘુ અભ્યાસ પણ ચાલુ હતો. વંશિકાના પરિવારે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે જેથી તેના મૃતદેહને ભારત પરત લાવી શકાય. જો કે તેના મૃત્યુનું કારણ હજુ સુધી તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું નથી. કેનેડિયન હાઈ કમિશને આ દુ:ખદ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી અને લખ્યું, ‘ઓટાવામાં ભારતીય વિદ્યાર્થી વંશિકાના મૃત્યુ વિશે જાણીને અમને ખૂબ જ દુઃખ થયું છે. આ મામલામા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમે શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે શોકગ્રસ્ત પરિવાર અને સ્થાનિક સમુદાય સંગઠનો સાથે સંપર્કમાં છીએ.
