ખંભાળિયામાં રહેતી એક યુવતીને પોતાની સાથે ધરાર પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, અહીંના સંજયનગર વિસ્તારમાં રહેતા વિશાલ સોમાભાઈ પારીયા નામના શખ્સે યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આ શખ્સના પિતા તેમજ ભાઈ દ્વારા પણ તલવાર અને ધોકાથી હુમલો કરવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ શખ્સોએ આખા પરિવારને કાપી નાખવો છે એવી ધમકી પણ આપી હતી.
આ બનાવ બાદ ત્રણેય નાસી છુટયા છે. સમગ્ર બનાવ અંગેની પોલીસ મથકે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રહેતી ૨૨ વર્ષની એક યુવતીને અહીંના સંજયનગર વિસ્તારમાં રહેતો વિશાલ સોમાભાઈ પારીયા નામનો શખ્સ આશરે એકાદ વર્ષથી પીછો કરતો હતો અને વિશાલ દ્વારા આ યુવતી ને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, ધમકી આપવામાં આવતી હતી.
ત્યારે રાત્રીના આશરે નવેક વાગ્યાના સમયે માર્ગમાં વિશાલ પારીયાએ હાથમાં છરી લઈને આવી તેણીને અટકાવી હતી. આ પછી તારે મારી સાથે સંબંધ રાખવા નથી તો આજે તને મારી નાખવી છ તેમ કહીને છરાનો એક ઘા તેણીના છાતીના ભાગે મારી દીધો હતો. આ પછી યુવતી ભાગવા જતા તેણી રસ્તામાં પડી ગઈ હતી અને વિશાલે આ યુવતીને મારી નાખવાના ઈરાદાથી શરીરના જુદા જુદા ભાગોમાં આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, વિશાલનો ભાઈ વિનોદ સોમા પારીયા હાથમાં ખુલ્લી તલવાર લઈને તથા વિશાલના પિતા સોમા પારીયા હાથમાં લાકડાના ધોકા સાથે આવ્યા હતા અને યુવતી તેમજ અહીં દોડી આવેલા તેણીના પરિવારજનોને જીવતા કાપી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.
આ બઘડાટી દરમિયાન સ્થાનિક લોકો એકત્ર થઈ જતા આરોપી પિતા-પુત્રો નાસી છૂટયા હતા અને ગંભીર રીતે લોહી-લોહાણ હાલતમાં યુવતીને અહીંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીને શરીરમાં ૫૫ ટાકા લેવામાં આવ્યા હતા. આમ, બળજબરી પૂર્વ પ્રેમ સંબંધ રાખવાનું કહી, મારી નાખવાની ધમકી આપી, છરી વડે હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડવા સબબ વિશાલ સોમા પારીયા તેમજ આ પ્રકરણમાં તેના ભાઈ વિનોદ અને પિતા સોમાભાઈ પારીયા સામે યુવતીએ ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
