એકબાજુ ભારતને પાકિસ્તાન પર મોડી રાતે એરસ્ટ્રાઈક કરી તો બીજી બાજુ ભારતમાં કમોસમી વરસાદે રમઝટ બોલાવી છે. મોડી રાતથી જ લગભગ સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે આ વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અને ઊભો પાક નાશ પામવાનો ડર ઊભો થયો છે.
અત્યાર સુધીની માહિતી અનુસાર મકરબા અંડરબ્રિજ લગભગ આખેઆખું પાણીમાં ડૂબી ગયું છે. સવારના લગભગ 8 વાગ્યે પણ સાંજનો સમય હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ઉનાળાના આ સમયમાં પણ સૂર્યોદય જોવો લગભગ દુર્લભ થઈ ગયો છે. અમદાવાદની વાત કરીએ તો અનેક અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. વેજલપુર, જુહાપુરા, એસ.જી.હાઈવે, વટવા, નારોલ, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના પગલે ઓફિસો જનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
