આણંદ પાસેના કરમસદની સંદેશર ચોકડી નજીક બાઈક સ્લીપ ખાઈ જતા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓને પગલે તેનું મોત નિપજ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, પેટલાદ તાલુકાના ઘૂંટેલી તાબે મદનપુરા ખાતે રહેતા નિલેશ રમેશભાઈ સોલંકી પોતાનું બાઈક લઈને કરમસદની સંદેશર ચોકડી નજીકથી પસાર થતાં હતાં. તે દરમિયાન અચાનક તેઓએ હેન્ડલ પરનો કાબુ ગુમાવી દેતા તેનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેમાં નિલેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી યુવકને બેભાન હાલતમાં સારવારમાં ખસેડયાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતાં વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
