ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં અમેરિકાએ પાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકો માટે નિર્દેશ જાહેર કર્યા છે. અમેરિકાએ લાહોરમાં અને તેની નજીક ડ્રોન સહિતના સંભવિત હુમલાના કારણે પાક સ્થિત પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે જતાં રહેવાનો આદેશ આપ્યો છે. લાહોર સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને આશ્રયસ્થાનમાં જ રહેવાનો નિર્દેશ આપ્યો છે.
કોન્સ્યુલેટને પ્રારંભિક માહિતી મળી છે કે, લાહોરના મુખ્ય એરપોર્ટ પાસેના કેટલાક વિસ્તારો ખાલી કરવામાં આવી રહ્યા છે, તેથી અમેરિકન નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે નીકળી જવાનો આદેશ અપાયો છે. જો તેઓ ઘર્ષણવાળા સ્થળો પર સુરક્ષિત ન હોય તો તેમણે અન્ય સ્થળે ખસી જવા કહેવાયું છે પાકિસ્તાન સ્થિત અમેરિકન એમ્બેસીએ પાકિસ્તાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને એલર્ટ રહેવા તેમજ સુરક્ષિત સ્થળે જતાં રહેવાની સલાહ આપી છે. અમેરિકાએ અપડેટની માહિતી મેળવવા માટે સ્થાનિક મીડિયા પર નજર રાખવા, ઓળખપત્ર સાથે રાખવા અને અધિકારીઓને સહકાર આપવા સૂચના આપી છે.
