વ્યારાનાં વાઘઝરી ગામમાં આધેડ ઉપર દીપડાએ જીવલેણ હુમલો કરતા સારવાર માટે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વ્યારા નજીક કાનપુરા ખટાર ફળીયાના રહીશ જયંતીભાઈ છગનભાઈ ગામીત (ઉ.વ.૫૫) વ્યારા તાલુકાનાં વાઘઝરી ગામે ગયા હતા. 
તે દરમિયાન અચાનક ઝાડી-ઝાંખરામાંથી દોડી આવેલ વન્યપ્રાણી દીપડાએ જયંતીભાઈ ઉપર હુમલો કર્યો હતો. આમ, દીપડાનો જોરદાર પ્રતિકાર કરવા સાથે બુમાબુમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. વન્યપ્રાણીના ચુંગાલમાંથી માંડમાંડ બચી ગયેલ જયંતીભાઈને મોં, નાક સહિત શરીરના જુદાજુદા ભાગમાં દીપડાએ ગંભીર ઈજા પહોંચાડતા જેઓને તાત્કાલિક વ્યારાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે દીપડાના હુમલા બાદ ગામમાં ખેતીકામ અર્થે જતા ખેડૂતો, મજુરો તેમજ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.



