પાકિસ્તાન વધુ એક વખત પોતાની નાપાક હરકતો કરતું નજરે પડી રહ્યું છે. પાકિસ્તાને 8 મે’ની માફક અને ગતરોજ પણ જમ્મુ, પોખરણ સહિતના સરહદ વિસ્તારમાં સતત ગોળીબાર અને ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યાના સમાચાર મળી રહ્યા છે. જોકે ભારતીય સેનાએ એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તમામ ડ્રોન તોડી પડાયા હોવાની પણ માહિતી મળી રહી છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના સરહદ વિસ્તારોમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, સાંબા, પૂંછ, ઉધમપુર, ફિરોઝપુર, જલંધર અને પોખરણમાં બ્લેકઆઉટ કરાયું હોવાની પણ માહિતી મળી રહી છે.
લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X પર લખ્યું કે, ‘જમ્મુમાં બ્લેકઆઉટ કરાયું છે.
ભારતીય શહેરો પર હુમલો કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે ભારતે બરાક-8 મિસાઇલો, S-400 સિસ્ટમ, આકાશ મિસાઇલો તૈનાત કરી છે. જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે અને સાયરન સંભળાયા. જમ્મુમાં ભારતીય વાયુસેનાએ બ્લેકઆઉટ વચ્ચે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા અને જમ્મુ કાશ્મીરના સાંબામાં બ્લેકઆઉટ વચ્ચે ભારતના એર ડિફેન્સ સ્ટાફે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા. આ દરમિયાન સાંબામાં વિસ્ફોટોના અવાજ સંભળાયા. જમ્મુ ડિવિઝનના ઉધમપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું અને સાયરન સંભળાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જમ્મુ ડિવિઝનના અખનૂરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું અને સાયરન સંભળાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. પંજાબના ફિરોઝપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે. અહીં સાયરન અને વિસ્ફોટોના અવાજો સંભળાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
