પહલગામ પર આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને POK સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ તથા ડ્રોનથી સ્ટ્રાઇક કરી હતી. જે બાદ પાકિસ્તાને પણ ભારતના અનેક શહેરો પર મિસાઇલથી હુમલો કરવાના પ્રયાસ કર્યા પરંતુ ભારતીય સેનાએ તમામ પ્રયાસ નિષ્ફળ બનાવ્યા. જે બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, ત્યારે થોડા દિવસ પહેલા ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરવાને લઈને DGP ઑફિસ દ્વારા 7 મે, 2025ના રોજ આદેશ કરવામાં આવ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. જ્યારે રજા પર ગયેલા રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને આપવામાં આવી છે. જેમાં અધિકારી-કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક(હેડક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
