ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કર્યા જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ અનેક વખત ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક એરબેઝ નષ્ટ કર્યા. બંને દેશો હવે સંઘર્ષ વિરામ માટે તૈયાર થયા છે જે બાદ ધીમે ધીમે ભારતનું એરસ્પેસ પણ ખોલવામાં આવી રહ્યું છે.
જોકે 12મી મેની મધ્ય રાત્રિ અને 13મી મેની વહેલી સવારે એર ઈન્ડિયાએ આઠ મોટા શહેરોની અનેક ફ્લાઇટ રદ કરી હતી.
બીજી તરફ ઈન્ડિગોએ 13મી મેની જમ્મુ, અમૃતસર, ચંડીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટની તમામ ફ્લાઇટ રદ કરી છે. ઈન્ડિગોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતાં સુરક્ષા કારણોસર ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરો એરપોર્ટ પર આવતા પહેલા ફ્લાઇટના અપડેટ્સની જાણકારી મેળવે. નોંધનીય છે કે, પાકિસ્તાન સાથે સંઘર્ષના કારણે બંધ કરવામાં આવેલા કુલ 32 એરપોર્ટ ફરીથી મુસાફરો માટે ખોલી દેવામાં આવ્યા છે.
