જમ્મુકાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ મારફતે પાકિસ્તાન અને PoKમાં હાજર 9 આતંકવાદી ઠેકાણાને ધ્વસ્ત કરી 100થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ત્યારથી ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદે સંઘર્ષ જોવા મળ્યો હતો. આ સંઘર્ષ દરમિયાન પણ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવવા માટે અમદાવાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના નવા વાડજ વ્યાસવાડી રસ્તાથી RTO સર્કલથી સુભાષબ્રિજ સુધી બે કિલોમીટર લાંબી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
એવામાં આ તિરંગા યાત્રાના કારણે પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળી શકે છે. આ તિરંગા યાત્રામાં RTO સર્કલ રોડ 12 થી 20 મિનિટ બંધ કરવો પડશે, જેથી ટ્રાફિકની સમસ્યા નડી શકે છે. જોકે આ ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો હોય તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકાય છે. જો સાંજે 5:30 વાગ્યાની આસપાર RTO સર્કલ અને ચીમનભાઈ બ્રિજ પાસેથી પસાર થવાનું હોય તો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એવામાં ચાંદખેડા અને ઉત્તર ગુજરાત તરફથી આવતા લોકોને પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળી શકે છે.
જેથી વૈકલ્પિક રસ્તો જેમાં સાબરમતી તરફ જવા માટે સુભાષબ્રિજ કેશવનગરથી દશા માતાના મંદિરથી નીચે ફાટક પાસે થઈ સાબરમતી તરફ જઈ શકાશે, રાણીપ જવા માટે સાબરમતી જેલવાળા રોડ પરથી કાળીગામ ગરનાળા થઈને સાબરમતી કબીર ચોકથી સાબરમતી ટોલનાકા તરફથી હાઇવે પર જઈ શકાશે, અને સાંજે 4:30 વાગ્યા પછી અખબારનગરથી રાણીપ ડી માર્ટ તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. તેથી રાણીપ ડી માર્ટ તરફથી ગાંધીઆશ્રમ તરફના નવા રોડ થઈને વાડજથી અખબારનગર તરફ જઈ શકાશે.
