જસ્ટિસ ભુષણ રામક્રિષ્ના ગવઈએ ભારતના 52માં ચીફ જસ્ટિસ (CJI) પદે બુધવારે શપથ ગ્રહણ કર્યા છે. આજથી તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદે ફરજ નિભાવશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદે બીઆર ગવઈએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સમક્ષ શપથ ગ્રહણ કર્યા છે. દેશના 51માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્ના મંગળવારે નિવૃત્ત થયા હતાં. નવા CJI આગામી છ મહિના સુધી કાર્યભાર સંભાળશે.
2007માં જસ્ટિસ કેજી બાલક્રિશ્નન બાદ જસ્ટિસ ગવઈ બીજા દલિત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બન્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર.ગવઈ 14 નવેમ્બર, 2003ના બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા હતા. બાદમાં 12 નવેમ્બર, 2005ના રોજ સ્થાયી જજ તરીકે નિમણૂક થઈ હતી. મુંબઈની મુખ્ય બેન્ચની સાથે સાથે નાગપુર, ઔરંગાબાદ, અને પણજીમાં પણ વિભિન્ન પ્રકારના કેસોનું નેતૃત્વ તેમણે કર્યું છે. 24 મે, 2019નાં રોજ તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતાં. સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ગવઈએ અનેક નોંધનીય ચુકાદા આપ્યા છે. જેમાં મોદી સરકારનો 2016માં ડિમોનેટાઈઝેશનનો નિર્ણય, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ઠેરવવાનો ચુકાદો સામેલ છે.
