વાલોડ નગરમાં બે ફળિયાના રહીશો વચ્ચે મારામારીમાં મોડી રાત્રે વાડી ફળિયાના રહીશોએ મોટી સંખ્યામાં વ્યારા જઈ ડીવાયએસપીને ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક લોકોનાં જણાવ્યાનુસાર પોલીસે મારામારીનાં ઘટનામાં સહઆરોપી તરીકે બંટી ગામીત અને સિંકંદર શેખ બે સામે ગુનો દાખલ કરી એટ્રોસીટી તથા અન્ય કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ નગરનાં વાડી ફળિયામાં લગ્નમાં ડીજેમાં નાચવાના મુદે વાડી ફળિયા અને સામરચાલી ફળિયાનાં યુવકો વચ્ચે રકઝક થયા બાદ બીજે દિવસે બપોરે હોકી અને લાકડાનાં દંડાથી સામસામે મારામારી થઈ હતી.
જેમાં કેટલાક યુવકોને માથાનાં ભાગે તથા હાથનાં ભાગે ઈજાઓ પહોચતા મામલો તંગ બન્યો હતો. જોકે પોલીસે વાડી ફળિયાનાં મંયક હળપતિની ફરિયાદનાં આધારે આઠ વિરુદ્ધ અને સામરચાલી ફળિયાના ઘનસુખ રાઠોડની ફરિયાદના આઘારે સાત વિરુદ્ધ રાયોટીંગનાં ગુનાની ફરિયાદ દાખલ કરી હતી. જયારે ઘટનાને લઈ છેલ્લા ત્રણ દિવસથી વાલોડમાં વાતાવરણ ગરમાયેલું જોવા મળ્યું હતું. તારીખ ૧૨/૦૫/૨૦૨૫ નારોજ રાત્રિના સમયે વાડી ફળિયાનાં યુવકો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં વાલોડ પોલીસ સ્ટેશને પહોંચી હંગામો પણ મચાવ્યો હતો.
તેમજ જાહેરમાં બનેલ મારામારીની ઘટના માટે અન્ય વધુ જવાબદાર મુખ્ય શખ્સો જેમની સામે ગુનો દાખલ કરવા રહીશોએ ઉગ્ર અને ઘારદાર રજૂઆત કરી હતી. ઘટના પાછળ પ્રેરક બળ પુરુ પાડનારા નામચીન શખ્સો સામે ગુનો દાખલ કરવા માટે તેમજ રાત્રે પોલીસ સ્ટેશનમાં હાજર કરવા પોલીસ પર હાજર લોકોએ દબાણ વધાર્યુ હતું. વાલોડ પોલીસના રવૈયાને લીધે લોકોને સ્થાનિક પોલીસની કામગીરીમા સંતોષ ન દેખાતા મોડી રાત્રે વ્યારા ડી.વાય.એસ.પી.ને મોટી સંખ્યામા લોકો મળવા પહોંચી ગયા હતા. આખરે પોલીસે લોક રજૂઆતને ઘ્યાનમાં રાખી તથા ૧૫થી વધુ યુવક, યુવતિઓ અને વડીલોના સ્ટેટ મેન્ટ લઈ તેના આધારે લગ્નમાં બનેલ મારામારીની ઘટનામાં સહ આરોપી તરીકે ત્રણ દિવસ પછી ગુનમાં બંટી ગામીત અને સિકંદર ગુલામ શેખ સામે ગુનો દાખલ કર્યો હતો.
