પાકિસ્તાને સરહદેથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનની અટકાયત કરી હતી, પૂર્ણમ કુમાર નામના આ જવાનને પાકિસ્તાને ૨૧ દિવસ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ આખરે ભારતના દબાણને પગલે છોડી મુક્યો હતો. ભારતના જવાનની અટકાયત કરાયા બાદ બીએસએફએ પણ પાકિસ્તાની રેન્જરની અટકાયત કરી હતી. પાકિસ્તાને ભારતીય જવાનને છોડી મુકતા સામેપક્ષે ભારતે પણ પાકિસ્તાની રેન્જરને છોડી મુક્યો હતો.
પાકિસ્તાની સૈનિક તેના દેશમાં જ્યારે ભારતીય જવાન વતન પરત ફર્યા હતા. ઓપરેશન સિંદૂર બાદ બન્ને દેશોના સૈન્યના ડીજીએમઓએ શસ્ત્રવિરામ મુદ્દે ચર્ચા કરવા વાત કરી હતી.
જે બાદ ભારતીય સૈન્યએ પાકિસ્તાની સૈન્યને પૂર્ણમ કુમારને છોડવા માટે બેથી ત્રણ વખત વિનંતી કરવામાં આવીહતી. તેમ છતા પાકિસ્તાન છોડવા માટે તૈયાર નહોતું. ૨૨મી એપ્રીલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓ દ્વારા હુમલો કરાયો તેના બીજા દિવસે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદેથી બીએસએફના જવાન પૂર્ણમ કુમારની પાકિસ્તાની સૈન્ય દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. જે બાદ તેની અટકાયતની તસવીરો પણ સામે આવી હતી, જેમાં જવાનના આંખ પર પટ્ટી બંધાયેલી જોવા મળી હતી. જવાનનો પરિવાર ચિંતામાં મુકાયો હતો, જોકે તેમને આશા હતી કે બન્ને દેશોના સૈન્યના ડીજીએમઓની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે અને પૂર્ણમ કુમાર છૂટશે.
આખરે તેમની આશા સફળ થઇ છે. બુધવારે સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ પાકિસ્તાની રેન્જર્સે બન્ને દેશો વચ્ચેની વાઘા-અટારી બોર્ડરે ભારતીય જવાન કોન્સ્ટેબલ પૂર્ણમ કુમારને બીએસએફને સોંપ્યો હતો. જે બાદ જવાનનું ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જવાનની સાથે પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કેવા પ્રકારનું વર્તન કરાયું હતું તે તમામ માહિતી એકઠી કરવામાં આવશે. સુરક્ષા વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રોટોકોલ મુજબ એકદમ શાંતિથી જવાનને પરત સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ મુહમદુલ્લાહ નામના પાકિસ્તાની રેંન્જર્સને પણ ભારતે છોડી મુક્યો હતો અને પાકિસ્તાની સૈન્યને પરત સોંપ્યો હતો.
પાકિસ્તાની સૈનિક મુહમદુલ્લાહ પણ સરહદ ઓળંગીને ભારત તરફ આવી ગયો હતો જેને પગલે તેની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે પાકિસ્તાને તાજેતરમાં પોતાના મોબાઇલ ટાવરની રેન્જ વધારી દીધી છે. જેને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના જૈસલમેર અને શ્રી ગંગાનગર વિસ્તારોમાં પાકિસ્તાની સીમ કાર્ડના ઉપયોગ પર આકરા પ્રતિબંધો લાગુ કરાયા છે. આ બન્ને વિસ્તારોના કલેક્ટરો દ્વારા આદેશ જારી કરીને લોકોને ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્રવિરામ બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠક યોજી હતી. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા હતા. આ બેઠકમાં સરહદની વર્તમાન સ્થિતિ તેમજ ઓપરેશન સિંદૂર અંગે વધુ ચર્ચા કરવામાં આવી હોવાના અહેવાલો છે.
