ઉત્તરપ્રદેશના લખનૌમાં કિસાન પથ પર ભયાવહ અકસ્માત સર્જાયો છે. એક બસમાં અચાનક આગ લાગતાં તેમાં સવાર બે બાળકો સહિત પાંચ મુસાફરો જીવતા ભૂંજાયા છે. આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી. પરંતુ લખનૌ પહોંચતાં અચાનક તેમાં આગ લાગી હતી. બસમાં લગભગ 80 લોકો સવાર હતા. વહેલી સવારે પાંચ વાગ્યે મોહનલાલગંજ નજીક કિસાન પથ પર એક બસમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી.
પોલીસ, ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે કે, બસમાં આગ લાગતાં ઈમરજન્સી ગેટ લૉક થઈ ગયો હતો. 
બસમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે, બસમાં પાંચ-પાંચ કિગ્રાના સાત ગેસ સિલિન્ડર હતાં. જો કે, કોઈ સિલિન્ડર ફાટ્યો નથી. પોલીસે આગ લાગવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, બસમાં આગ લાગતાં જ બસ ડ્રાઈવર અને કંડક્ટર જીવ બચાવી ભાગી ગયા હતાં. બસમાં સવાર મુસાફરોએ પોતાની જાતે મહા મહેનતે બસના કાચ તોડી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં બસમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગ્યો હતો. બાદમાં આગની જ્વાળાઓમાં બસ લપેટાઈ હતી.



