Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઈઝરાયેલનાં હવાઈ હુમલામાં ગાઝામાં ૨૨ બાળકો સહિત ૭૦ લોકોનાં મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઈઝરાયેલનાં હવાઈ હુમલાએ ઉત્તર અને દક્ષિણ ગાઝાને લક્ષ્યાંક બનાવતા જબલિયામાં ૨૨ બાળકો સહિત ઓછામાં ઓછા ૭૦ જણાના મોત થયા હતા એવી જાણકારી ગાઝાના આરોગ્ય મંત્રાલયે આપી હતી. ઈઝરાયેલી વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુની હમાસનો સંપૂર્ણ પરાજય થાય ત્યાં સુધી આક્રમણ ચાલુ રહેશે તેવી જાહેરાત પછી આ હવાઈ હુમલા કરાયા હતા. જબલિયામાં બચાવકાર્ય દરમ્યાન મોબાઈલની ટોર્ચથી કાટમાળમાંથી લોકોને બચાવવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા.

યુદ્ધ વિરામની આશા જગાવતા હમાસના સોમવારે ઈઝરાયેલી-અમેરિકી બંધકને છોડવાના પગલા પછી આ હુમલા કરાયા હતા. દરમ્યાન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ સઉદી અરબની મુલાકાત લેતા રાજદ્વારી દબાણની આશા જાગી હતી. જોકે નેતા ન્યાહુએ હમાસને સમાપ્ત કરવાના લક્ષ્યાંક પર ભાર મુકીને ગાઝામાં લશ્કરી કાર્યવાહીની યોજના ફરી વ્યક્ત કરી હતી. ૨૦૨૩માં ઈઝરાયેલમાં ૧,૨૦૦થી વધુ લોકોની હત્યા દ્વારા હમાસ દ્વારા શરૂ કરાયેલી આ લડાઈમાં અત્યાર સુધીમાં બાવન હજારથી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા હોવાની માહિતી ગાઝાના આરોગ્ય મંત્રાલયે આપી છે. ૧૮ માર્ચના યુદ્ધ વિરામના ભંગ પછી લગભગ ત્રણ હજાર પેલેસ્ટિનિયનોના મોત થયા છે.

ગાઝાના ૨૩ લાખથી વધુ નાગરિકો વિસ્થાપિત થયા છે અને કેટલાકે તો એકથી વધુ વાર પોતાના ઘર છોડવા પડયા છે. ઈઝરાયેલે આપેલી માહિતી મુજબ હમાસના કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રને લક્ષ્યાંક બનાવીને ખાન યુનિસમાં એક યુરોપિયન હોસ્પિટલ પર કરાયેલા હુમલામાં હમાસના ટોચના લશ્કરી નેતા મોહમ્મદ સિનવરને ટાર્ગેટ કરાયા હતા.  ઈઝરાયેલે મોહમ્મદ સિનવરને મારવા છેલ્લા દાયકામાં અનેક પ્રયાસ કર્યા હતા. મોહમ્મદ સિનવરનો મોટાભાઈ યાહ્યા સિનવર ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયો હતો.

મોહમ્મદ સિનવરને મારવા કરાયેલા હુમલામાં હોસ્પિટલના માળખાને નુકસાન થતા સર્જરીઓ અટકાવી દેવી પડી હતી અને એમ્બ્યુલન્સ સેવા અટકી ગઈ હતી તેમજ ઈમરજન્સી મેડિકલ સેવાઓને ગંભીર અસર પડી હતી. હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે તેમના સમારકામ ઉપકરણોને પણ ઈઝારાયેલી દળોએ તોડી પાડયા હતા. ઈઝરાયેલી દળોએ હમાસનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હોસ્પિટલની નીચે ભૂગર્માં હોવાનો દાવો કર્યો હતો. ઈઝરાયેલી દળોએ જબલિયામાં રોકેટ લોન્ચરો સહિત આતંકીઓના માળખાનો ઉલ્લેખ કરીને નાગરિકોને શહેર છોડી દેવા જણાવ્યું હતું. દરમ્યાન ગાઝામાં માનવીય સ્થિતિ વધુને વધુ કથળતી રહી છે.

આંતરરાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે ગાઝામાં દુષ્કાળ આવી શકે છે. પચાસ લાખથી વધુ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ઈઝરાયેલી બ્લોકેડને કારણે બજારમાં અનાજની તંગી સર્જાઈ છે અને કિંમતો આસમાને ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે તે તીવ્ર અપોષણથી પીડાતા માત્ર પાંચસો બાળકોને સારવાર કરવા સક્ષમ છે, જ્યારે હજારો બાળકોને મદદની તીવ્ર જરૂર છે. ઈઝરાયેલનો દાવો છે કે બ્લોકેડનો હેતુ હમાસ પર તમામ બંધકોને છોડી મુકવા તેમજ શસ્ત્રો ત્યજી દેવા દબાણ કરવાનો છે. છતાં માનવીય ક્ષતિ ઝડપથી વધી રહી છે અને શાંતિપૂર્ણ ઉકેલનો કોઈ સંકેત નથી દેખાઈ રહ્યો.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!