ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્યવિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત કેશલેસ હેલ્થ બેનીફિટ પેકેજ આપવામાં આવશે. વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ અમલી PMJAY-મા યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મયોગીઓને સમાવી લઇ લાભ આપવામા આવશે.
રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને “G” સીરીઝનું AB-PMJAY-MAA કાર્ડ આપવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, હાલ PMJAY-મા યોજના હેઠળ રાજ્યમાં કુલ ૨,૬૫૮ હોસ્પિટલો (ખાનગી: ૯૦૪, સરકારી:૧૭૫૪) સંકળાયેલ છે.જેમાં ૨,૪૭૧ નિયત કરેલ પ્રોસીજરની સારવાર આવરી લેવામાં આવી છે. રાજ્યમાં ફરજ બજાવતાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ તથા પેન્શનરો, રાજય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમનાં આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજય સેવા(તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ અનુસાર હાલની પધ્ધતિ મુજબ મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ મળશે. રાજય સરકારના આ નિર્ણયથી અંદાજે ૪.૨૦ લાખ અધિકારી-કર્મચારીઓ અને અંદાજે ૨.૨૦ લાખ પેન્શનર્સ મળી કુલ ૬.૪૦ લાખ કર્મયોગીઓને આરોગ્ય સેવા-સુવિધાઓનો લાભ આ યોજના હેઠળ મળશે. ફીકસ-પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યો છે. ૭૦+ પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલ વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં. આ યોજના અંતર્ગત રૂ. ૩૦૩.૩ કરોડ પ્રીમીયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર ૩૭૦૮/- રૂ. વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ પ્રિમિયમ ચૂકવશે.
