Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડાંગ જિલ્લામાં કસોમી વરસાદે ભર ઉનાળામાં કહેર મચાવ્યો, કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ડાંગ જિલ્લામાં કસોમી વરસાદે ભર ઉનાળામાં કહેર મચાવ્યો છે છેલ્લા અગિયાર દિવસથી કમોસમી વરસાદનો કહેર યથાવત ચાલુ છે. અગિયારમાં દિવસે પણ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સાપુતારા, સુબિર, વથઈ અને પૂર્વપટ્ટીના અંતરિયાળ ગામો તેમજ સરહદીય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને જોરદાર પવન સાથે વીજળીના કડાકા ભડાકા શરૂ થયા બાદ વરસાદ તૂટી પડયો હતો.

આ અણધાર્યા વરસાદે વાતાવરણમાં ઠંડક તો પ્રસરાવી, પરંતુ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની ગયો છે. છેલ્લા અગિયાર દિવસથી વરસી રહેલા આ કમોસમી વરસાદે ખેતીના પાકને મોટું નુકસાન પહોંચાડયું છે. ખાસ કરીને આ સમયગાળો ઉનાળુ પાકની લણણીનો હોય છે. ત્યારે અચાનક આવેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ડાંગ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કેરીની ખેતી પર નિર્ભર છે અને આ કમોસમી વરસાદ કેરીના પાક માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. પાક તૈયાર થવાના સમયે વરસાદ પડવાથી કેરીના ફળ ખરી પડવાની અને બગડી જવાની સમસ્યા ઉદભવી છે. જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડી રહ્યો છે.

આ ઉપરાંત, કઠોળ અને શાકભાજીના પાકને પણ આ વરસાદથી ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાક સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો પોતાની પાક બચાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. પરંતુ સતત વરસી રહેલા વરસાદ સામે તેઓ લાચાર દેખાઈ રહ્યા છે. વરસાદને કારણે જિલ્લાનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ વધી છે. આહવા શહેર અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હોવાથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે વીજળી ગુલ થવાથી અંધારપટ છવાઈ જાય છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!