ઈન્ડોનેશિયાના અશાંત વિસ્તાર પાપુઆમાં સુરક્ષા દળો અને બળવાખોરો વચ્ચે ભયાનક અથડામણ થઈ છે. આ દરમિયાન સામ-સામે ફાયરિંગ અને બળવાખોરોએ તીરથી હુમલો કરતા ઘટનામાં 20 લોકોના મોત થયા છે. હુમલામાં 18 બળવાખોરો અને બે પોલીસ કર્મચારીએ જીવ ગુમાવ્યો છે. સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ ઈવાન દ્વી પ્રિહરતોનોએ કહ્યું કે, ‘બળવાખોરોએ સૈનિકો પર તીર અને બંદૂકથી હુમલો કર્યો હતો. જવાબમાં સેનાએ કાર્યવાહી કરી 18 બળવાખોરોને ઠાર કર્યા છે. અથડામણ બાદ સૈનિકોએ હથિયારો, તીર-કામઠા અને બળવાખોરોનો ઝંડો જપ્ત કર્યો છે.
ઘટના બાદ બળવાખોરોના સંગઠન ‘વેસ્ટ પાપુઆ લિબરેશન આર્મી’એ દાવો કર્યો છે કે, તેના માત્ર ત્રણ બળવાખોરો માર્યા ગયા છે, જ્યારે બાકીના 15 લોકો નિર્દોષ નાગરિકો હતા. આ સાથે સંગઠને બે પોલીસ કર્મચારીઓની હત્યા કરી હોવાનો પણ દાવો કર્યો છે. અથડામણ બાદ આખા વિસ્તારમાં તણાવ ભર્યો માહોલ છે. અહીં પોલીસનો અને સેનાનો કાફલો ખડકી દેવાયો છે. સ્થાનીક નાગરિકો ભયભીત થઈ ગયા છે.
સરકાર અને સૈન્યના અધિકારીઓ સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ કરી દેવાઈ છે. જયારે વધુમાં ઈન્ડોનેશિયાના અશાંત પાપુઆ શહેરમાં 1960થી બળવાખોરી ચાલી રહી છે. બળવાખોરો પાપુઆને સ્વતંત્ર દેશ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. અહીં વર્ષોથી આવા હુમલાઓ અને હત્યાઓ થતી રહી છે. જ્યારે છેલ્લા કેટલાક વર્ષોથી આવી ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં જ બળવાખોરોએ સોનાની ખાણ પર હુમલો કરી 17 લોકોની હત્યા કરી દીધી હતી.
