સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઝટકો આપી રાજ્યના સરકારી કર્મચારીઓને 25 ટકા મોંઘવારી ભથ્થુ આપવા આદેશ કર્યો છે. ન્યાયાધીશ સંજય કરોલ અને સંદીપ મહેતાની બેંચે વચગાળાનો હુકમ જારી કર્યો છે અને બંગાળ સરકારને ત્રણ મહિનાની અંદર 25 ટકા મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી ઑગસ્ટમાં હાથ ધરવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ બંગાળનાં કેટલાક સરકારી કર્મચારીઓએ આ મામલે કોલકાતા હાઇકોર્ટમાં અરજી કરી બાકી રકમ સહિત કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલું ડીએ આપવાની માંગ કરી છે.
આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે કેટલીક વખત ડીએ વધારવાની જાહેરાત કરી હતી. પરંતુ જે સમયે ડીએ વધારવાની જાહેરાત કરાઈ, તે વખતે ડીએનો દર કેન્દ્રીય દરો સાથે મેળ ખાતો ન હતો. એટલું જ નહીં કેન્દ્રીય ડીએ અને રાજ્યના ડીએ વચ્ચે 37 ટકાનું અંતર પણ છે. કેન્દ્ર સરકાર કર્મચારીઓને 55 ટકા ડીએની ચૂકવણી કરે છે. પશ્ચિમ બંગાળમાં 2024માં 14 ટકા ડીએ હતું. ત્યારબાદ પહેલી એપ્રિલ-2025માં ડીએમાં ચાર ટકાનો વધારો કરાયા બાદ વર્તમાન સમયમાં સરકારના કર્મચરીઓને 18 ટકા ડીએ મળે છે, આ કારણે રાજ્યના કર્મચારીઓમાં અસંતોષ છે. એપ્રિલમાં વધારા બાદ રાજ્યના 10 લાખથી વધુ સરકારી કર્મચારીઓનું કુલ ડીએ 18 ટકાએ પહોંચ્યું છે.
