ફિનલેન્ડમાં મોટી દુર્ઘટના બનતાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. શનિવારે દક્ષિણપૂર્વ ફિનલેન્ડમાં આવેલા યુરા એરપોર્ટ નજીક જંગલ વિસ્તારમાં બે હેલિકોપ્ટર ધડાકાભેર અથડાતાં પાંચ લોકોના મોત થયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે, શનિવારે બપોરે કૌટુઆ શહેર નજીક હવામાં જ બે હેલિકોપ્ટર અથડાયા હતાં.
જેનો કાટમાળ ઓહિકુલ્કુટી રોડથી લગભગ 700 મીટર દૂર પડ્યો હતો. ફ્લાઈટ પ્લાન અનુસાર, એક હેલિકોપ્ટરમાં બે લોકો અને બીજા હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતાં. બંને હેલિકોપ્ટર ફિનલેન્ડની બહારના હતાં. એક હેલિકોપ્ટર એસ્ટોનિયા અને બીજુ હેલિકોપ્ટર ઓસ્ટ્રિયાનું હતું. જેમાં સવાર તમામના મોત થયા છે. બંને હેલિકોપ્ટર એસ્ટોનિયન કંપની NOBE અને Eleon ના હતાં. નેશનલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની પોલીસે આ ઘટના પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. એક હેલિકોપ્ટર હોબી એવિએશન ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યું હતું. આ ઘટનાની ફિનિશ અને એસ્ટોનિયન ઓથોરિટી સંયુક્તપણે તપાસ કરી રહી છે.
