નવસારીનાં ગણદેવીમાં નવું ઘર બનાવવામાં પરિવારને દેવું થઈ જતાં યુવકે માનસિક તાણને પગલે ચીકુવાડીમાં પહોંચીને પ્લાસ્ટિક પટ્ટી વડે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી હતી. મળતી માહિતી મુજબ, ગણદેવી પાણીની ટાંકી વિસ્તારમાં રહેતા આશિષ રાજેશભાઇ શર્મા શનિવાર સવારે ચા પીને ઘરેથી નીકળ્યો હતો.
જેને પગલે ચિંતાગ્રસ્ત પરિવારે મિત્રોની પૂછપરછ સાથે શોધખોળ શરૂ કરી હતી. પરંતુ આશિષનો પતો લાગ્યો ન હતો. ત્યારબાદ રવિવાર સવારે તેના પિતાને નદી કિનારે ચીકુવાડીમાં ચીકુ કલમની ડાળે આશિષે ફાસો ખાધો હોવાની જાણકારી મળી હતી. આથી તેઓ પરિવાર સાથે ચીકુવાડીમાં પહોંચ્યા હતા. આ સમયે આશિષ મૃતદેહ ચીકુના ઝાડ પર પ્લાસ્ટિકની પટ્ટી ઉપર લટકતો હતો. સમગ્ર મામલે મૃતક આશિષના પિતાએ ગણદેવી પોલીસને જાણ કરી હતી. ગણદેવી પોલીસે આશિષની લાશને નીચે ઉતારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી અકસ્માત મોત મુજબ ગુનો નોંધ્યો હતો. આશિષના પરિવારને નવું ઘર બનાવવામાં દેવું થઈ જતા આશિષે માનસિક તણાવમાં આવીને અંતિમ પગલું ભરી લીધું હોવાની જાણવા મળ્યું હતું.
