કોરોનાએ ફરીથી સળવળાટ કર્યો છે. એશિયામાં કોરોનાએ ફરીથી દેખા દેતા અને ઝડપી વૃદ્ધિ નોંધાવતા એશિયાઈ સરકારો ચિંતામાં પડી ગઈ છે. હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં ૩૦ ગણો વધારો થયો છે. આ વધારો પણ ફક્ત હોંગકોંગ પૂરતો જ સીમિત નથી. સિંગાપોરમાં પણ લગભગ એક અઠવાડિયામાં કોરોનાના કેસ ૩૦ ટકા વધ્યા છે. હોંગકોંગે ૧૦ મે ૨૦૨૫ના રોજ કોરોનાના કુલ ૧,૦૪૨ કેસ રિપોર્ટ કર્યા. ગયા સપ્તાહે આ આંકડો ૯૭૨ હતો. માર્ચના પ્રારંભમાં આ કેસ ફક્ત ૩૩ હતા. આમ માર્ચ પછી કેસ સતત વધી રહ્યા છે. અહીં સૌથી મોટી ચિંતાની વાત એ છે કે પોઝિટિવિટી સતત વધી રહી છે.
પહેલી માર્ચે પૂરા થયેલા પોઝિટિવિટી રેટ ફક્ત ૦.૩૧ ટકા હતી, જે પાંચ એપ્રિલ સુધી ૫.૦૯ ટકા થઈ, જ્યારે ૧૦ મે સુધી પૂરા થયેલા સપ્તાહમાં વધીને ૧૩.૬૬ ટકા થઈ. સિંગાપોરમાં કોરોનાના કેસ ૨૭મી એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં ૧૧,૧૦૦ હતા.
અહીં ઉલ્લેખનીય છે કે જેએન-૧ વેરિયન્ટનો ઉપયોગ જ કોવિડ વેક્સીન બનાવવામાં થયો હતો. થાઇલેન્ડમાં પણ રજાઓ પછી કોરોનાના કેસ વધ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં કોરોનાના ૭૧,૦૬૭ કેસ અને ૧૯ મોતનો રિપોર્ટ છે. ભારતમાં હજી સુધી સુધી આવો કોઈ ઉછાળો જોવા મળ્યો નથી. ભારતમાં ૧૦ મે સુધી કોરોનાના નોંધાયેલા દર્દીઓની સંખ્યા ૯૩ છે. એલએફ-૭ વેરિયન્ટ ચીનથી આવ્યો હતો અને તે ત્યાં ઝડપથી ફેલાવવા લાગ્યો હતો. આ વાઇરસ પણ ઓમિક્રોનના સબ વેરિયન્ટનો હિસ્સો છે અને અન્ય વાઇરસની તુલનાએ ઝડપથી ફેલાય છે. પ્રારંભિક અહેવાલ મુજબ આ વાઇરસ વેક્સિનથી બનેલી ઇમ્યુનિટીને આંશિક રીતે બાયપાસ કરી જાય છે. તેના લક્ષણોમાં જોઈએ તો હળવો તાવ, સૂકી ખાંસી, ગળામાં ખારાશ, થાક, નાક બંધ રહેવું કે વહેવું તેનો સમાવેશ થાય છે. અન્ય વેરિયન્ટ એનબી-૧ અમેરિકા, યુરોપ અને એશિયાના કેટલાક હિસ્સામાં ફેલાઈ રહ્યો છે. આ એક ઇમ્યુન એસ્કેપ વેરિયન્ટ છે. તે શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને ચાતરી જવા સક્ષમ છે. તેના લક્ષણોમાં માથામાં જબરદસ્ત દુ:ખાવો, તાવ, સ્નાયુઓમાં દુ:ખાવો, ગળામાં ખારાશ અને લાંબા સમય સુધી ખાંસીનો સમાવેશ થાય છે.
