વલસાડનાં કલવાડા ગામે રહેતી યુવતીને અમેરિકા ખાતે બિઝનેસ વિઝા પર મોકલવાનો ઝાંસો આપીને યુવતીનાં ઘરની સામે જ રહેતા દંપત્તિએ વિઝા એજન્ટના નામથી મોબાઈલ ફોન પર યુવતી સાથે વાત કરીને તેણી પાસેથી પોણા ચાર વર્ષનાં સમયગાળામાં કુલ રૂ.૮૮.૮૮ લાખ પડાવી લીધા બાદ માત્ર ૫.૪૪ લાખ પરત કરીને કુલ રૂ.૮૩.૪૪ લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
મળતી માહિતી મુજબ, કલવાડા ગા.પં. કચેરી સામે રહેતી ભૂમિ દિપકકુમાર પટેલએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના પિતા વર્ષ-૨૦૧૫માં મૃત્યું પામ્યા હતાં. ઘરમાં માતા તથા વયોવૃદ્ધ દાદી સાથે રહે છે. 
ભૂમિને પાડોશીઓ પર વિશ્વાસ કરી હા પાડી હતી. પડોશી દંપતીએ ભૂમિન પાસેથી ફાઈલના ખર્ચાના નામે, વિઝા, ટિકીટ વગેરે કામો માટે ગત તારીખ ૧૧-૧૧-૨૦૨૧થી તા.૨૮-૦૨-૨૫ સુધીમાં કુલ રૂ.૮૮,૮૮,૨૭૪/- પડાવી લીધા હતાં. આ દરમ્યાન ભૂમિએ અમેરિકા ક્યારે મોકલશો તેમ વારંવાર પૂછતા ઠગભગતો તેણીને ગત તારીખ ૦૨-૦૧-૨૩એ તેમની ઈકો કારમાં બેસાડીને મુંબઈ લઈ ગયા હતા. ભૂમિના પાસપોર્ટ ઉપર અમેરિકાનું સ્ટેમ્પીંગ તેમજ કોન્સ્યુલેટનું કામ કરાવવા માટે અંધેરીની એક ઓફિસમાં લઈ જઈને ભૂમિનું કામ કરનાર એજન્ટો વિકાસભાઈ તથા હિતાક્ષીબેનને દૂરથી બતાવીને, બંને એજન્ટો કામમાં ખૂબજ બિઝી છે તેથી આપણું કામ થશે નહીં તેમ કહીં ભૂમિને પરત ઘરે લઈ આવ્યા હતાં.
તે પછી ધનેશ અને નેહાએ એજન્ટ વિકાસ તથા હિતાક્ષીના નામથી ભૂમિ સાથે વોટ્સએપ પર ચેટ કરીને ડોક્યુમેન્ટ અને વિઝા પ્રોસેસ બાબતે વાતચીત કરીને રૂપિયા ધનેશના ખાતામાં ટ્રાન્સફર કરાવતા હતાં. ધનેશએ કટાર એરવેઝની મુંબઈથી બોસ્ટન સુધીની એર ટિકીટ ભૂમિને મોકલાવી હતી અને નાણાં પડાવ્યા હતાં. તે પછી દંપતીએ ભૂમિને તેણીની ટિકીટના કામમાં ડોક્યુમેન્ટ્સ અધુરા હોવાથી ટિકીટ કેન્સલ કરી છે અને બીજી ટિકીટ કઢાવી લઇશુ તેવી ખાતરી આપીને બીજી ટિકીટ માટે ફરી નાણાં પડાવ્યા હતા, જે નાણાં આરોપીના નાના ભાઈ ચેતન પટેલના ખાતામાં જમા કરાવડાવ્યા હતાં.



