મહેમદાવાદમાંથી શખ્સને રૂપિયા ૧૩ હજારની નશાયુક્ત કફ સીરપની ૭૬ બોટલો સાથે ખેડા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો હતો. કફ સીરપનો જથ્થો પૂરો પાડનારો શખ્સ હાજર નહીં મળી આવતા પોલીસે રૂ.૨૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, મહેમદાવાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતો સકિલમીયાં ઝાકીરમીયાં મલેક (રહે.ઇકબાલ સ્ટ્રીટ, બંધ મહાદેવનો ખાંચો, મહેમદાવાદ, મુળ રહે.સંધાણા મસ્જીદ પાછળનું ફળીયું, ઠાકોરવાસ, તા.માતર)પોતાના માલિકીના રહેણાંક મકાનમાં કોડેઇન યુક્ત નશાકારક દવાઓની બોટલો વેચાણ કરવા ગેરકાયેદે રીતે મેળવી સંગ્રહ કરતો હતો. જ્યાં ખેડા એસ.ઓ.જી. પોલીસે દરોડો પાડી મકાનમાંથી પાસ પરમીટ વગર વિવિધ બનાવટની કોડેઈન યુક્ત નશીલી કફ સીરપ દવાઓની ૧૦૦ એમએલની ૭૬ બોટલો કિંમત રૂ.૧૩,૨૯૩/- મોબાઈલ, રોકડા રૂ.૩,૬૫૦/- બેગ સહિત રૂ.૨૨ હજારનાં મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે કફ સીરપનો જથ્થો જમીત મનુભાઈ સોની (રહે.ધ્રુવ ફળિયું, સાંકડા બજાર, મહેમદાવાદ) પૂરો પાડનારો મળી આવ્યો નથી. બનાવ અંગે એસ.ઓ.જી.ની ફરિયાદનાં આધારે મહેમદાવાદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
