ગયા મહિના સુધી લસણના ભાવ સ્થિર હોવાથી ગૃહિણીઓને થોડી રાહત હતી. પરંતુ હવે ફરી લસણના ભાવમાં ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારો થયો હોય લસણના ભાવ ૩૦થી ૪૦ રૂપિયા જેટલા વધ્યાં છે. વાશી સ્થિત એપીએમસીની કાંદા-બટાકા માર્કેટમાં લસણની આવક ઘટતાં તેના દરમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. એપીએમસી માર્કેટમાં માત્ર ૧૦ વાહનમાં ૨૮૨૮ ગુણી ભરી લસણની આવક થઈ હતી.
જેમાં એક ટ્રક અને ૯ ટેમ્પોનો સમાવેશ હતો. જથ્થાબંધ માર્કેટમાં ઉટી વીઆઈપી ડ્રાય લસણ ૧૩૦થી ૧૫૦ રૂપિયા પ્રતિકિલો, દેશી વીઆઈપી ૧૨૦થી ૧૪૦ રૂપિયા પ્રતિકિલો તો દેશી છૂટ્ટા લસણ ૬૦થી ૯૦ રૂપિયા કિલોએ વેચાય છે. રીટેલ માર્કેટમાં પણ લસણના ભાવ ૧૪૦થી ૨૦૦ રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. જાન્યુઆરી-ફેબુ્રઆરી મહિનામાં લસણના ભાવ સૌથી વધુ હતા. ત્યારે રીટેલ માર્કેટમાં લસણ ૩૫૦થી ૪૦૦ રૂપિયા કિલોએ વેંચાયું હતું. અત્યારે મોટાભાગનું લસણ મધ્યપ્રદેશથી આવે છે. દરરોજની આવક મર્યાદિત હોવાથી અને વેપારીઓ દ્વારા સંગ્રહ કરાઈ રહ્યો હોવાથી તેના ભાવ હજી વધી શકે તેવી શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે.
