આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહીને અનુલક્ષીને જૂનાગઢ જિલ્લાની તમામ બોટને બંદર ખાતે પરત બોલાવવા માટેના થયેલા આદેશ મુજબ માંગરોળ બંદર ખાતે બે હજાર બોટ પરત આવી ગઈ છે. ચોમાસા પુર્વે જ વાવાઝોડાની આગાહીના કારણે માછીમારીની સિઝન આ વખતે વહેલાસર પૂર્ણ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસંધાને સમગ્ર રાજ્યમાં તંત્રને સાબદું રહેવા માટેની સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગનાં અધિકારીઓ સાથે વાવાઝોડાને ધ્યાને રાખી અનેક આયોજન કરવામાં આવ્યા છે.
સૌથી પહેલાં દરિયામાં ફિશિંગ માટે ગયેલા તમામ માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને માંગરોળ બંદર પર ગત રાતથી જ બોટ પરત આવવાની શરૂઆત થઈ ગઈ હતી. આજે સાંજ સુધીમાં બે હજાર જેટલી બોટ બંદર પર લંગારી દેવામાં આવી છે.
માછીમાર સમાજનાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગત માર્ચ મહિનાથી જ માછીમારીનાં ધંધામાં ખૂબ જ મંદી ચાલતી હોવાથી મોટાભાગની બોટ બંદર પર જ હતી. ફિશિંગ માટે ગઈ ન હતી. અમુક બોટ ફિશિંગ માટે ગઈ હતી તે પરત આવી ગઈ છે. હવે માત્ર બે બોટ છે તે લાંબા અંતર પર ફિશિંગ માટે ગઈ છે તેને પણ તાત્કાલિક પરત આવવા માટેની સૂચના આપી દેવામાં આવતા તે બોટ આજે રાતે અથવા આવતીકાલે સવાર સુધીમાં બંદર પર પરત આવી જશે. માંગરોળ બંદર પર જે બોટ આવી ગઈ છે તેને દરિયા માંથી બહાર કાઢવાની પણ પૂરજોશમાં સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોટાભાગની બોટને નુકસાન ન થાય તે માટે દરિયામાંથી બહાર કાઢી લેવામાં આવી છે. હાલ જે બોટ કાંઠા પર છે તેને સલામત રીતે નુકસાન ન થાય તેમ રાખવામાં આવી હોવાનું માછીમારોએ જણાવ્યું હતું.
