અમદાવાદનાં વસ્ત્રાલમાં રહેતા વેપારીની દીકરીને શ્વાસ લેવામાં અને પેટમાં દુ:ખાવાની તકલીફ રહેતી હતી. પરિવાર અંધશ્રદ્ધામાં ડૂબેલો હોવાથી ગોતાના ભુવાજીના ચક્કરમાં ફસાયા અને ભુવાએ વિધિ કરવાના બહાને કુલ રૂ.૫.૯૦ લાખના દાગીનાની લઈને લીંબુ અને પથ્થરથી ભરેલી પોટલી આપીને ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ભુવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વસ્ત્રાલમાં રહેતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ગોતા પાસે વંદેમારતમ રોડ ઉપર વંદેમાતરમ પ્રાઇમ ખાતે રહેતા ચન્દ્રકાન્ત પંચાલ ભુવાજી ઉર્ફે બાપજી સામે ફરિયાદ નોંધાવી છે કે, તેમની પુત્રીને શ્વાસ લેવામાં અને પેટમાં દુઃખાવાની તકલીફ ઘણાં લાંબા સમયથી રહેતી હતી અને દવા પણ કરાવી પરંતુ સફળતા મળતી ન હતી તેથી જમાઈના મિત્રે ગોતામાં રહેતા ભુવા સાથે વાતચીત કરી હતી. 
બાદમાં ભુવાજીએ બંને પોટલીઓ લઈને ચાંદલોડિયા તળાવ પાસે ફરિયાદી અને તેમના જમાઈને બોલાવ્યા અને સ્મશાનમાં વિધિ કરવા જાઉં છું કહીને રૂ.૫.૯૦ લાખના દાગીનાથી ભરેલી બંને પોટલીઓ લઈને ભુવાજી સ્મશાનમાં ગયા અને થોડીવાર બાદ પરત આવીને ફરિયાદી અને તેમના જમાઈને પોટલીઓ આપી દીધી અને આ પોટલીઓ બારી પર બાંધીને રાખજો જો ખોલશો તો દુઃખ વધી જશે અને ૩૭ દિવસ બાદ મને ફોન કર્યા બાદ આ પોટલીઓ ખોલજો તેમ જણાવ્યું હતું. અંધશ્રધામાં ગળાડૂબ સસરા અને જમાઈએ ભુવાજીની વાત માનીને પોટલીઓ ખોલી નહોતી જો કે અચાનક નીચે પડી જતા તેમાંથી પથ્થરા અને લીંબુ નીકળ્યા હતા. ત્યારબાદ જમાઇએ ભુવાજીને ફોન કરતા નંબર બંધ આવતો હતો. તપાસ કરતા ભુવાની માંડલ પોલીસે ધરપકડ થઇ હોવાની જાણ થઇ હતી.




