રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પરિપત્ર જાહેર કરી બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ પ્રક્રિયાની સુવિધા આપવા નિર્દેશ આપ્યો છે. તેમજ બેન્કોને વીડિયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસ (V-CIP) ઉપલબ્ધ કરાવવા પણ કહ્યું છે. રિઝર્વ બેન્કે ઈનએક્ટિવ ખાતાઓને એક્ટિવ કરવા માટે અધિકૃત બિઝનેસ કોરસ્પોન્ડન્ટની મદદ લેવા પણ સલાહ આપી છે.
રિઝર્વ બેન્કે આ પરિપત્ર પર સ્ટેક હોલ્ડર્સ પાસે 6 જૂન સુધી ભલામણો મગાવી છે. RBIએ જાન્યુઆરીમાં ક્લેમ વિનાની રકમ અને ઈનએક્ટિવ ખાતા માટે નવા દિશાનિર્દેશ જાહેર કર્યા હતાં. જે હેઠળ ગ્રાહકના ખાતાની માહિતી તથા ચેકબુક રિક્વેસ્ટ સામેલ કરવા ઉપરાંત બે વર્ષ સુધી નોન બેન્કિંગ સેવાઓ અને નાણાકીય વ્યવહારો ન કરવાની સ્થિતિમાં ખાતાઓને ઈનએક્ટિવ કેટેગરીમાં રાખવામાં આવશે.
જે ગ્રાહકોએ એક વર્ષથી વધુ સમયથી કોઈ નાણાંકીય વ્યવહારો ન કર્યા હોય તો તેવા ગ્રાહકોના ખાતાને ઈનએક્ટિવ કરતાં પહેલાં તેની વાર્ષિક સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. તેમજ ગ્રાહકને આ અંગે પત્રો, ઈ-મેઈલ કે એસએમએસ મારફત જાણ કરવા પણ નિર્દેશ આપ્યો છે. વધુમાં ગ્રાહકોને પોતાના ખાતા એક્ટિવ કરવા માટે વધુ સમય આપવા કહ્યું છે. RBIએ ડિસેમ્બર, 2024માં બેન્કોને અપીલ કરી હતી કે, તેઓ ઈનએક્ટિવ તથા બંધ પડેલા ખાતાઓની સંખ્યા ઘટાડવા માટે તત્કાલ જરૂરી પગલાં લે. આ ખાતાઓની સંખ્યા વિશે ત્રિમાસિક ધોરણે સૂચના આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અનેક બેન્ક શાખાઓમાં કુલ જમા રકમથી વધુ રકમ ઈનએક્ટિવ ખાતા-અનક્લેમ્ડ રકમ વધુ છે.
