Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આજે વડાપ્રધાનશ્રીએ ‘મન કી બાત’માં દેશવાસીઓને ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થવાના ખુશખબર આપ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નાં 122માં એપિસોડ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને ગુજરાતના ગીરમાં સિંહોની સંખ્યામાં વધારો થવાના ખુશખબર આપ્યા. તેમણે ઓપરેશન સિંદૂર, સ્ટાર્ટ-અપ્સથી લઈને વોકલ ફોર લોકલ સુધીની અસરનો પણ ઉલ્લેખ કર્યો અને તેલંગાણાના ‘સ્કાય વોરિયર્સ’નાં અદ્ભુત કૌશલ્યની પ્રશંસા કરી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘હું સિંહો સંબંધિત એક ખૂબ જ સારા સમાચાર શેર કરવા માંગુ છું. છેલ્લા પાંચ વર્ષમાં, ગુજરાતના ગીરમાં સિંહોની વસ્તી 674 થી વધીને 891 થઈ ગઈ છે. સિંહ ગણતરી પછી જાહેર થયેલી સિંહોની આ સંખ્યા ખૂબ જ પ્રોત્સાહક છે. તમારામાંથી ઘણાં લોકો જાણવા માંગશે કે આ પ્રાણી ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. આ કવાયત ખૂબ જ પડકારજનક છે. સિંહોની વસતી ગણતરીની વાત કરતા તેમણે કહ્યું કે, ‘તમને જાણીને આશ્ચર્ય થશે કે સિંહોની ગણતરી 11 જિલ્લામાં, 35 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કરવામાં આવી હતી.

વસ્તી ગણતરી માટે, ટીમોએ આ વિસ્તારોનું ચોવીસ કલાક નિરીક્ષણ કર્યું હતું. આ સમગ્ર અભિયાનમાં ચકાસણી અને ક્રોસ વેરિફિકેશન બંને કરાયા હતા. આનાથી સિંહોની ગણતરી અત્યંત ચોક્સાઈ સાથે પૂર્ણ થઈ શકી. એશિયાઈ સિંહોની વસ્તીમાં વધારો દર્શાવે છે કે જ્યારે સમાજમાં માલિકીની ભાવના મજબૂત હોય છે ત્યારે કેટલા અદ્ભુત પરિણામો પ્રાપ્ત થાય છે.’ ગીરની પરિસ્થિતિને પડકારજનક ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘થોડા દાયકા પહેલા ગીરની પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક હતી. પરંતુ ત્યાંના લોકોએ પરિવર્તન લાવવા માટે પહેલ કરી. નવીનતમ ટેકનોલોજીની સાથે, ત્યાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ પણ અપનાવવામાં આવી. આ સમય દરમિયાન, ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં મહિલાઓને વન અધિકારીના પદ પર મોટા પાયે તૈનાત કરવામાં આવી હતી.

આ બધાએ આજે ​​આપણે જે પરિણામો જોઈ રહ્યા છીએ તેમાં ફાળો આપ્યો છે. વન્યજીવ સંરક્ષણ માટે, આપણે હંમેશા આ રીતે જાગૃત અને સતર્ક રહેવું પડશે. મહિલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ‘આજે ઘણી એવી મહિલાઓ છે જે ફક્ત ખેતરોમાં જ નહીં પરંતુ આકાશને આંબવા માટે પણ કામ કરી રહી છે. હવે ગામની મહિલાઓ ડ્રોન દીદી બનીને ડ્રોન ઉડાડી રહી છે અને કૃષિમાં નવી ક્રાંતિ લાવી રહી છે. તેલંગાણાનાં સંગારેડ્ડી જિલ્લામાં, જે મહિલાઓ થોડા સમય પહેલા સુધી બીજા પર નિર્ભર રહેતી હતી આજે એ જ મહિલાઓ ડ્રોનની મદદથી 50 એકર જમીન પર દવા છંટકાવનું કામ પૂર્ણ કરી રહી છે. સવારે ત્રણ કલાક, સાંજે બે કલાક અને કામ પૂર્ણ થાય છે. સૂર્યની ગરમી નથી, ઝેરી રસાયણોનો ભય નથી. ગ્રામજનોએ પણ આ પરિવર્તનને દિલથી સ્વીકાર્યું છે.

હવે આ મહિલાઓ ‘ડ્રોન ઓપરેટર’ તરીકે નહીં, પરંતુ ‘સ્કાય વોરિયર્સ’ તરીકે ઓળખાય છે. આ મહિલાઓ આપણને કહી રહી છે કે જ્યારે ટેકનોલોજી અને દૃઢ નિશ્ચય સાથે હોય ત્યારે પરિવર્તન આવે છે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’નાં 122માં એપિસોડની શરૂઆત ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કરીને કરીને તેમણે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર ફક્ત એક સૈન્ય મિશન નથી, તે આપણા સંકલ્પ, હિંમત અને બદલાતા ભારતનું ચિત્ર છે અને આ ચિત્રે આખા દેશને દેશભક્તિની લાગણીઓથી ભરી દીધો છે અને તેને ત્રિરંગામાં રંગી દીધો છે.’ આ દરમિયાન તેમણે ભારતીય સેનાની બહાદુરીની પણ પ્રશંસા કરતા કહ્યું કે, ‘ભારતની સેનાએ આતંકવાદ સામે જોરદાર પ્રહાર કર્યા છે. ઓપરેશન સિંદૂરથી દેશમાં દેશભક્તિની ભાવના વધુ તીવ્ર બની છે. દેશના વિવિધ ભાગોમાં લોકો તિરંગા યાત્રા કાઢી રહ્યા છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!