ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મોનસૂનની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઇ ચૂકી છે. આ સાથે મુંબઈમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ પવન સાથે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે 41 થી 60ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. બીજી બાજુ પવન સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી અને ડાંગ જિલ્લાની વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગે અહીં પવન સાથે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે સુરતમાં ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે.
