નર્મદા જિલ્લાનાં દેડિયાપાડા તાલુકામાંથી આઠ વ્યક્તિ કાર લઈ મહારાષ્ટ્રમાં ભજનનાં કાર્યક્રમમાં ગયા હતા. જ્યાંથી વહેલી સવારે પરત ફરતા હતા તે સમયે કારનો અકસ્માત થયો હતો. મહારાષ્ટ્ર રાજ્યનાં મોલગી વિસ્તાર નજીક જંગલમાં ઊંડી ખીણમાં કાર ખાબકતાં દેડિયાપાડા તાલુકાનાં બે અને નેત્રંગ તાલુકાનાં એક વ્યક્તિ સહિત કૂલ ૩ લોકોનાં મોત નિપજયા હતા. 
મળતી માહિતી મુજબ, બે ત્રણ દિવસ અગાઉ દેડિયાપાડા કોલીવાડા, કંકાલા અને પાનસર ગામેથી ૮ વ્યક્તિ નંદુરબારના મોલગી વિસ્તારમાં ભજન સત્સંગના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાંથી વહેલી સવારે ભજનનો કાર્યક્રમ પુરો થતાં કાર લઈ પરત ફરી રહ્યાં હતા. ત્યારે અચાનક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર મોલગી વિસ્તારમાં માર્ગ ઉપર આવેલ જંગલમાં ઊંડી ખીણમાં કાર ખાબકી હતી. જેથી આસપાસનાં લોકોને ખીણમાં કાર પડી હોવાની જાણ થતાં બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે કાર ખીણમાં ખાબકતા પથ્થરો સાથે અથડાતા કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નિપજયા હતા. જેમા મોહન બામણીયા વસાવા (રહે.પાનસર ગામ, દેડિયાપાડા), જીવણદાસ સૂરદાસ વસાવા (રહે.કંકાલા ગામ, દેડિયાપાડા) અને સુભાષ ફુલજી (રહે.રૂપઘાટ)નાંઓ હતા.




