રાજકોટનાં ગોકુલધામ આવાસ યોજનામાં સોમવારે સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી. અગમ્ય કારણોસર સગી માતાએ પોતાના બાળકને ઘરની છત પરથી નીચે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે બાળકના પિતા સમયસર પહોંચી ગયા હતા. આ ઘટનામાં રાહદારીની સતર્કતાના લીધે બાળકનો જીવ બચી ગયો હતો.
આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, સોમવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં એક મહિલાએ પોતાના બાળકને છત પર લટકાવી દીધું હતું. આ દ્વશ્યો જોઇ બધા આવાક બની ગયા હતા. આસપાસમાંથી લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોકે મહિલાનો પતિ સમયસર પહોંચી જતાં તેણે બાળકને ખેંચી લીધું હતું અને બાળકનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ બાળકની માતાને પોલીસ મથકે લઇ ગઇ હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે, તે બાળકને માત્ર ડરાવી રહી હતી. પરંતુ પોલીસ તપાસ કરી રહી છે કે મહિલા સાચું બોલી રહી છે કે કોઇ અન્ય કારણોસર આવું પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના થોડા સમય પહેલાં જ મહિલાઓ પાડોશી સાથે ઝઘડો થયો હતો. જોકે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ હકિકત સામે આવશે.
